- ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ સંબંધો ફરીથી સામાન્ય બને તેવા સંજોગો
- બંને દેશો વચ્ચે આ વર્ષે ટી-20ની શ્રેણી રમાય તેવી પ્રબળ શક્યતાઓ
- જો શક્ય થાય તો ભારતીય ટીમ સિરીઝ માટે પાકિસ્તાન જશે
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ સંબંધો ફરીથી સામાન્ય તેવા સંજોગો ઉપસ્થિત થયા છે. પાકિસ્તાનના એક મીડિયા અહેવાલ અનુસાર બંને દેશો વચ્ચે ચાલુ વર્ષે ટી-20 મેચની એક સીરિઝ રમાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે. જો આ શક્ય બનશે તો ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે જશે. અગાઉ વર્ષ 2012-13માં બને દેશો વચ્ચે રમાયેલી છેલ્લી સિરીઝમાં ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે હતી. જો કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન અહેસાન માની અનુસાર હજુ આ સિરીઝ અંગે ભારતીય બોર્ડે હજુ તેઓને સંપર્ક કર્યો નથી.
પીસીબીના એક અધિકારી અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા આ બંને દેશો વચ્ચેની ક્રિકેટ શ્રેણી માટે તૈયારી કરવાનું જણાવાયું છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા સરહદી તણાવને પગલે છેલ્લે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 2012-13માં દ્વિ-પક્ષીય સિરીઝ રમાઇ હતી. જ્યારે છેલ્લે વર્ષ 2019ના વર્લ્ડ કપ વખતે ઇંગ્લેન્ડમાં બંને ટીમો સામે સામે ટકરાઇ હતી.
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. જો બંને દેશો વચ્ચે ક્રિકેટ શ્રેણીનું ચાલુ વર્ષ આયોજન કરવામાં આવે તો તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ફરીથી સૂમેળ અને સૌહાર્દ પ્રસ્થાપિત થાય તેવી સંભાવના છે.
(સંકેત)