રાજકોટમાં હવે લોકોની ફરિયાદોનું આંગળીના ટેરવે આવશે નિવારણ, કરાશે આ નવતર પ્રયોગ
- રાજકોટ મનપાના નવનિયુક્ત મેયર ડૉ. પ્રદીપ ડવનો નવતર પ્રયોગ
- લોકોની ફરિયાદોના નિવારણ માટે મેયર ડેસ્ક બોર્ડની રચના કરાશે
- લોકોની ફરિયાદોનું નિરાકરણ ડેસ્ક બોર્ડના જે તે કમિટીના સભ્યો લાવશે
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ડૉ. પ્રદીપ ડવએ ચાર્જ સંભાળતા જ નવતર પ્રયોગ કર્યો છે. જેમાં લોકોની ફરિયાદોનું નિરાકણ લાવવા માટે મનપા કચેરીમાં મેયર ડેસ્ક બોર્ડની રચના કરવામાં આવશે. રાજકોટ મનપાની અમુક સેવાઓ હવે લોકો ઘરે બેઠા જ ઉકેલી શકશે. તે ઉપરાંત લોકોની ફરિયાદોનું નિરાકરણ ડેસ્ક બોર્ડના જે તે કમિટીના સભ્યો લાવશે.
રાજકોટના નાગરિકોને ફરિયાદોના નિવારણ માટે મનપા કચેરીએ ધક્કા ના ખાવા પડે તેમજ ઘર બેઠા જ ફરિયાદોનું નિરાકરણ આવે તે હેતુસર મેયર ડેસ્ક બોર્ડની રચના કરવાનો નિર્ણય કરાયો છે. જેમાં રાજકોટવાસીઓ ઘરેથી આંગળીના ટેરવે જ પોતાની ફરિયાદોનું નિરાકરણ મેળવી શકશે.
આ અંગે રાજકોટના મેયર ડૉ. પ્રદીપ ડવે કહ્યું કે, ખરા અર્થમાં સ્માર્ટ સિટી બનાવવા માટે આ ડેસ્ક બોર્ડની રચના કરવામાં આવશે. જેમાં ફરિયાદોનું નિરાકરણ કરવા ડેસ્ક બોર્ડમાં જે તે સમિતિના સભ્યોનો સમાવેશ કરવામાં આવશે.
નોંધનીય છે કે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ડેસ્ક બોર્ડ છે તેવી જ રીતે રાજકોટ મેયર ડેસ્ક બોર્ડ શરૂ કરવામાં આવશે. નવા ભળેલા ગામોમાં લાઇટ, પાણી, ગટર, રસ્તા અને સફાઇ સહિતની વસ્તુઓને પ્રાધાન્ય અપાશે. જરૂર પડ્યે આરોગ્ય તેમજ કેન્દ્રની ઇમરજન્સી સેવા માટે ખાસ આયોજન કરવામાં આવશે.
(સંકેત)