- પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું
- તા. 13મી એપ્રિલ સુધી કરાશે અમલ
- પોલિસ કમિશનરેટ વિસ્તારમાં કલમ 144 લાગુ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. મેગાસિટી અમદાવાદ અને ડાયમન્ડ સિટી સુરત કોરોના વાયરસનું એપી સેન્ટર બન્યાં હોય બંને શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યામાં વધી રહી છે. બીજી તરફ તંત્ર દ્વારા સંક્રમણને અટકાવવા માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ જ્યાં જ્યાં કોરોનાના કેસ વધે છે ત્યાં આંકરા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. દરમિયાન સુરતમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. જેથી ચારથી વધારે વ્યક્તિઓ ભેગા નહીં થશે.
સુરતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે આરોગ્ય વિભાગની સાથે પોલીસ તંત્ર પણ એલર્ટ બન્યું છે. દરમિયાન પોલીસ કમિશ્નર દ્વારા વધુ એક કડક નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડી સુરતમાં ચારથી વધુ લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. પોલીસ કમિશ્નર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય 30 માર્ચથી લાગુ થશે અને 13 એપ્રિલ સુધી અમલમાં રહેશે. શહેરના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક જાહેરનામું પ્રસિધ્ધ કરી પોલિસ કમિશનરેટ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ચાર કરતા વધારે માણસોના ભેગા થવા ઉપર, કોઈ સભા બોલાવવા કે સરઘસ કાઢવા ઉપર તેમજ જાહેરમાં ઉશ્કેરણી કરે અને લાગણી દુભાય તેવા અભદ્ર, દ્વિઅર્થી ભાષા પ્રયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં કોરોના ટેસ્ટીંગ વધારી દેવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. તેમજ કર્ફ્યુનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.