PM મોદીના બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન મોટા પાયે હિંસાનું કાવતરું રચાયું હતું: ઇન્ટેલિજન્સ રિપોર્ટ
- પીએમ મોદીના બાંગ્લાદેશ પ્રવાસને લઇને ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
- પીએમ મોદીના બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન મોટા પાયે હિંસાનું ષડયંત્ર રચાયું હતું
- પ્રતિબંધિત સંગઠન જમાત એ ઇસ્લામીએ મોટું ષડયંત્ર રચ્યું હતું
નવી દિલ્હી: એક ગુપ્તચર રિપોર્ટમાં પીએમ મોદીના બાંગ્લાદેશ પ્રવાસને લઇને ચોંકાવનારો ખુલાસો થયો છે. ઇન્ટેલિજન્સ રિપોર્ટ પ્રમાણે પીએમ મોદીના બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન મોટા પાયે હિંસાનું ષડયંત્ર રચાયું હતું. રિપોર્ટ અનુસાર પ્રતિબંધિત સંગઠન જમાત એ ઇસ્લામીએ મોટું ષડયંત્ર રચ્યું હતું અને આ માટે પૈસા પણ વહેંચવામાં આવ્યા હતા. આપને જણાવી દઇએ કે પીએમ મોદીના બાંગ્લાદેશ પ્રવાસ અગાઉ અને બાદમાં બાંગ્લાદેશમાં હિંસક ઘટનાઓ ઘટી છે. આ ઘટનાઓ પાછળ એક સુનિયોજીત કાવતરું હતું તે હવે સ્પષ્ટ થઇ ગયું છે.
રિપોર્ટ અનુસાર પોલીસ, મીડિયા તેમજ સરકારી ઓફિસો પર મોટા પાયે હુમલાની તૈયારી હતી. આ ષડયંત્ર માટે જમાત એ ઇસ્લામીએ મોટા પ્રમાણમાં પૈસા વહેંચ્યા હતા. જેથી કરીને પીએમ મોદીના પ્રવાસ દરમિયાન કાયદો વ્યવસ્થાને મુદ્દો બનાવીને શેખ હસીનાના નેતૃત્વ હેઠળની સરકાર પર સવાલ ઉઠાવી શકાય.
રિપોર્ટ અનુસાર જમાત એ ઇસ્લામી અને હિફાઝત એ ઇસ્લામના નેતાઓના માલિકી હેઠળની તમામ હોટલો પર દરોડાની ભલામણ કરાઇ છે. જેમાં કહેવાયું છે કે જો જરૂર પડે તો કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જમાત એ ઇસ્લામીની અચલ સંપત્તિઓ, હોસ્પિટલો, મદરેસા, ઇમારતોની તપાસ આવશ્યક છે. બાંગ્લાદેશમાં થયેલા ઘર્ષણની ઘટનાઓમાં જમાત અને હિફાઝતના 200 નેતાઓ તથા કાર્યકરો વિરુદ્વ કેસ દાખલ કરાયા છે. તેમના પર પોલીસના કામમાં અડચણો નાખવા અને તેમના પર હુમલા કરવાનો આરોપ છે.
રિપોર્ટ મુજબ જમાત એ ઈસ્લામના નેતાઓએ મોદીના પ્રવાસને ધ્યાનમાં રાખીને પોતાના 60 ટકા સમર્થકોને રાજધાની ઢાકા આવવાનું કહ્યું હતું. પરિણામે ઈસ્લામી વિદ્યાર્થી સંગઠન, મહિલા વિંગ અને ઈસ્લામિક શેડો સંગઠનના સભ્યો મોટી સંખ્યામાં ઢાકા પહોંચ્યા હતા. જેમને ત્રણ સમૂહમાં વહેંચવામાં આવ્યા હતા. ષડયંત્ર મુજબ જમાતના વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ શિબિર સાથે પહેલા ગ્રુપે મોદી વિરોધી કાર્યક્રમોમાં સામેલ થવાનું હતું. બીજા ગ્રુપે લેફ્ટ શેડ સંગઠન સાથે મોદી વિરોધી રેલી કાઢવાની હતી. અને ત્રીજા ગ્રુપે હિફાઝતના 6 ઈસ્લામી રાજકીય પક્ષોના પ્રદર્શનનો ભાગ બનવાનું હતું.
(સંકેત)