- હવે ફ્લાઇટની મુસાફરી વધુ મોંઘી થશે
- DGCAએ એર સિક્યોરિટી ફીમાં કર્યો વધારો
- ડોમેસ્ટિક ફ્લાઇટના યાત્રીકો માટે એર સિક્યોરિટી ફીમાં 40 રૂપિયાનો વધારો
નવી દિલ્હી: જો તમે પણ ફ્લાઇટથી મુસાફરી કરવાનું આયોજન કરતા હોય તો તમારી મુસાફરી હવે મોંઘી થઇ શકે છે. એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશનએ એર સિક્યોરિટી ફીમાં વધારો કરતા 1 એપ્રિલથી એરફેર વધી જશે. ડોમેસ્ટિક ફ્લાઇટના યાત્રીકો માટે એર સિક્યોરિટી ફીમાં 40 રૂપિયાનો વધારો કરવામાં આવતા એર સિક્યોરિટી ફી 160 રૂપિયાથી વધીને 200 રૂપિયા થઇ છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટના યાત્રિકોની એર સિક્યોરિટી ફી વધારીને 12 ડોલર કરાઇ છે.
બીજી તરફ ઉડ્ડયન નિયંત્રક DGCAએ એરપોર્ટ પર કોવિડની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરનારા યાત્રીઓ પાસેથી સ્થળ પર જ દંડની વસૂલાત કરવા અંગે વિચારણા કરવાના નિર્દેશ આપ્યા છે.
આ અગાઉ 13 માર્ચના રોજ પણ ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશનએ એરપોર્ટ અને એરલાઇન્સને યાત્રીઓ માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તે સુનિશ્વિત કરવા જણાવ્યું હતું.
ડીજીસીએ વધુમાં ઉમેર્યું હતું કે, તમામ એરપોર્ટ ઓપરેટરોને સૂચના અપાય છે કે, તમામ યાત્રીઓ નાક ઢંકાઇ જાય તે રીતે યોગ્ય માસ્ક પહેરે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે સુનિશ્વિત કરાવવામાં આવે.
નોંધનીય છે કે માર્ચના છેલ્લા રવિવારથી લઇને ઑક્ટોબરના છેલ્લા રવિવાર સુધીના ઉનાળાના શિડ્યુલ માટે દર સપ્તાહે 108 એરપોર્ટ પરથી કુલ 18843 ફ્લાઇટને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ઇન્ડિગોની 8749, સ્પાઇસ જેટની 2854, ગોએરની 1747, એર ઇન્ડિયાની 1863, વિસ્તારાની 1288 અને એર એશિયા ઇન્ડિયાની 1243 ફ્લાઇટનો સમાવેશ થાય છે.
(સંકેત)