હવે પ્રાણીઓને પણ લાગશે કોરોનાની વેક્સીન, રશિયાએ બનાવી દુનિયાની પ્રથમ વેક્સીન
- હવે પ્રાણીઓને પણ લાગશે કોરોનાની વેક્સીન
- રશિયાએ બનાવી દુનિયાની પ્રથમ વેક્સીન
- આ નવી વેક્સીનનું નામ Carnivac-Cov છે
દિલ્લી: દુનિયામાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે.કોરોનાએ અનેકને પોતાની ઝપેટમાં લીધા છે. માણસોની સાથે સાથે પ્રાણીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. એવામાં રશિયાએ હવે પ્રાણીઓ માટે કોરોના વાયરસ સામે વિશ્વની પ્રથમ વેક્સીન બનાવી છે. પ્રાણીઓ માટે બનાવવામાં આવેલી આ નવી વેક્સીનનું નામ Carnivac-Cov છે. દેશની કૃષિ બાબતો પર નજર રાખનારી સંસ્થા રોજેલખોનાજોરે બુધવારે આ અંગે માહિતી આપી છે.
ઉલ્લેખનીય છે કે, રશિયા પાસે પહેલાથી જ માણસો માટે ત્રણ કોરોનાની વેક્સીનો ઉપલબ્ધ છે,જેમાંથી સૌથી લોકપ્રિય વેક્સીન સ્પુતનિક વી છે. માસ્કોએ અન્ય બે વેક્સીન એપિવૈકકોરોના અને કોવિવૈકને પણ ઇમરજન્સી મંજૂરી આપી છે.
સંસ્થાએ કહ્યું કે, પ્રાણીઓ માટે કોરોના વેક્સીન Carnivac-Cov રોજેલખોનાજોરના એકમ દ્વારા વિકસાવવામાં આવી છે. રોજેલખોનાજોરના ઉપ પ્રમુખ કોંસ્ટેટીન સવેનકોવએ કહ્યું હતું કે, વેક્સીનની ક્લિનિકલ ટ્રાયલ ગયા વર્ષે ઓક્ટોબરથી શરૂ થઈ હતી. આમાં કૂતરાં, બિલાડીઓ, આર્કટિક શિયાળ, શિયાળ અને અન્ય પ્રાણીઓને સામેલ કરવામાં આવ્યા હતા.
ટ્રાયલના પરિણામોમાં એ વાત સામે આવી કે, આ વેક્સીન પ્રાણીઓ માટે હાનિરહિત અને અત્યંત પ્રતિરક્ષાત્મક છે. જેટલા પ્રાણીઓને વેક્સીન આપવામાં આવી હતી.તે બધામાં કોરોના વાયરસ માટે એન્ટીબોડી વિકસિત થઇ. રસીકરણ બાદ પ્રતિરક્ષણ છ મહિના સુધી ચાલે છે. વેક્સીનનું મોટા પાયે ઉત્પાદન એપ્રિલથી શરૂ થઈ શકે છે.
-દેવાંશી