– પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા
૧ એપ્રિલ ૧૮૮૯ નો દિવસ આપણી હિદસંસ્કૃતિ પ્રમાણે એ દિવસે ગુડી પડવો અને મહારાષ્ટ્રના નાગપુરમાં પવિત્ર ગુડી પડવાનો ઉત્સવ રંગે ચંગે ઉજવાઈ રહ્યો હતો ! વાતાવરણ માં નવા વર્ષના પવિત્રતા અને આનંદ ચોમેર પ્રસરેલા અનુભવાતા હતા લોકહૈયે ઉત્સવ ઉમંગ છવાયેલા હતા એવામાં નાગપુરના મહારાષ્ટ્રીયન સામાન્ય બ્રાહ્મણ પરિવારમાં બલિરામ હેડગેવારજી અને રેવતીજીના ગૃહે પુત્રરત્ન નો જન્મ થયો ! હેડગેવાર પરિવાર એ ખૂબ મહેનતુ અને ઈશ્વરદત્ત વિદ્વત્તા વારસામાં મળી હતી અનેક વિદ્વાનો પણ આ પરિવારની મુલાકાત લઇ પ્રસન્નતા પામતા સાથે સાથે ઘર્મભક્તિ અને કર્મભક્તિ માં તલ્લીન એવા આ પરિવારે આ પુત્રનું નામ “કેશવ” રાખ્યું ! બલિરામજીના ઘેર આવતા એક જ્યોતિષી એ કેશવ ના જન્મ પછીના થોડા જ દિવસો માં એમ કહ્યું હતું કે “આ બાળક કેશવ એ હેડગેવાર વંશ નું નામ ખૂબ ઊંચાઈઓ પર લઇ જશે…!! ” અને સમય જતા આ જ્યોતિષીના શબ્દો માત્ર હેડગેવાર વંશ માટે જ નહિ પણ સમગ્ર ભારત માટે હિંદુરાષ્ટ્ર માટે અક્ષરસહ સાચા પડયા. પરિવાર માં પિતા અગ્નિહોત્રી બ્રાહ્મણ હતા ઘરમાં યજ્ઞનો અખંડ અગ્નિ સાચવતા યજ્ઞની પૂજા કરતા આમ પારિવારિક વાતાવરણ સંપૂર્ણ ધાર્મિક રહેતું ! બલિરામજી અને રેવતીબાઈ ના પરિવારમાં ત્રણ દીકરા અને ત્રણ દીકરીઓ હતી દીકરાઓ માં કેશવ સૌથી નાના હતા એટલે કેશવને મોટાભાઈ મહાદેવ ખૂબ સાચવે ! મહાદેવ શાસ્ત્રી શારીરિક બાંધે ખૂબ બળવાન અને મજબૂત ! અખાડામાં જવું કુસ્તી કરવી કસરતો કરવી અને એમના મહોલ્લામાં છોકરાઓને કસરત શીખવાડવી એ એમનો નિત્યનિયમ ! એટલે કેશવને બાળપણ માં જ મોટાભાઈ મહાદેવ પાસેથી શરીરને મજબૂત બનાવવાનું માર્ગદર્શન મળ્યું ! આમ પરિવારની હૂંફ વચ્ચે કેશવનું બાળપણ ખીલતું જતું હતું અને ચરિત્રનું સુંદર ઘડતર થઇ રહ્યું હતું ! બરોબર એ જ સમયે નાગપુરમાં ૧૯૦૦ની સાલની આસપાસ પ્લેગનો રોગ ફાટી નીકળ્યો ! બલિરામજી અત્યંત સેવાભાવી સ્વભાવના! પ્લેગના રોગથી પીડિતોની સેવામાં એમના દિવસ રાત વિતાવતા. આમ કરતા બલિરામજી ને પ્લેગનો ચેપ લાગ્યો અને ત્યારબાદ રેવતીબાઈ ને પણ ચેપ લાગ્યો અને હેડગેવાર પરિવાર પર મહાઆફત આવી પડી. પ્લેગના ના રોગનો ભોગ બનવાનું દુર્ભાગ્ય આ પરિવારને આવ્યું. બલિરામજી અને રેવતીજી બંનેનો સ્વર્ગવાસ થયો .કેશવ માત્ર બાર વર્ષની ઉંમરના હતા અને એમણે માતાપિતાની હૂંફ ગુમાવી પણ બાળપણમાં જ પિતા તરફથી સતત મળતા ધાર્મિક સંસ્કારોને લીધે રામાયણ મહાભારતના પ્રસંગો, ધાર્મિક સ્તોત્રો કંઠસ્થ થઇ ગયા હતા. માતા રેવતીબાઈ શિવાજી અને મહારાણા પ્રતાપ , ચંદ્ર ગુપ્ત ચાણક્ય ની શૌર્યવાન વાર્તાઓ સંભળાવે આ કારણે બાળપણ માં જ કેશવમાં હિંદુ સંસ્કારનું સિંચન થવા લાગ્યું હતું અને રાષ્ટ્રપ્રેમનું સર્જન થઇ ચૂક્યું હતું ! મહાપુરુષો ની સાંભળેલી વાર્તાઓના કારણે કેશવનું મનસર્જન એટલી અદ્ભૂત રીતે થયું કે યુવાનીમાં પ્રવેશતા કેશવ જ્યાં જાય ત્યાં સરળતાથી મિત્રમંડળ ઉભું કરી શકતા.
કેશવની યુવાનીમાં બાળપણના સંસ્કારો વધુ ખીલ્યા ! કેશવનો રાષ્ટ્રપ્રેમ એ રાષ્ટ્રભક્તિમાં પરિવર્તિત થયો એ સમયે બંકિમ ચંદ્ર ચટોપાધ્યાયે આપેલો “વંદે માતરમ” ના બુલંદ અને રાષ્ટ્રવાદ ના નારાએ એમની રાષ્ટ્રભક્તિને વધુ સુદ્ઢ કરી અને શરુ થઇ કેશવરાવ ની સ્વરાષ્ટ્ર માટે, અખંડભારતના નિર્માણ માટેની નેતૃત્વ યાત્રા. એમના શાળાજીવન નો એક પ્રસંગ યાદ કરીએ “જયારે કેશવ નાગપુરની નીલ સીટી હાઈ સ્કુલમાં ભણતા હતા ત્યારે એક વાર શાળાના ઇન્સ્પેક્શન માટે બ્રિટિશ અધિકારી આવવાના હતા ! શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઇન્સ્પેક્શન માટે સજ્જ હતા. બ્રિટિશ અધિકારી આવ્યા એમણે ભારતીય શિક્ષકો નું ખૂબ અપમાન કર્યું અને તુચ્છ વર્તન કર્યું અને થયું એવું કે અધિકારી શાળાના વર્ગખંડોની મુલાકાત લેવા નીકળ્યા અને જેવા એક વર્ગમાં દાખલ થયા ! અધિકારીના માનમાં વિદ્યાર્થીઓ ઉભા થયા ! બ્રિટિશ અધિકારી ખુશ થયા પણ એ પછી જે થયું એ ખરેખર બ્રિટિશ અધિકારીને વ્યાકુળ કરનારું હતું બ્રિટિશ રાજ દ્વારા પ્રતિબંધિત ‘વંદે માતરમ્’ ના નારાની ગર્જના એકા એક વિધાર્થીઓ માંથી આવવા લાગી ! અને ધીરે ધીરે આખી સ્કૂલમાંથી “વંદે માતરમ ” ની ગગનભેદી ગર્જના થઇ . બ્રિટિશ અધિકારીના ગુસ્સાનો પાર ના રહ્યો ! શાળામાં હડતાલ પડી અને શાળા સંચાલકો દ્વારા શાળા ફરી ચાલુ કરવા વિદ્યાર્થીઓ અને વાલીઓ ને માફી માંગવા જણાવ્યું પણ કેશવે વંદે માતરમ ના માધ્યમથી માં ભારતીની વંદના માટે માફી ના માગી અને એ માટે કેશવને શાળા છોડી દેવાનું ફરમાન મળ્યું જે કેશવે ગૌરવભેર સ્વીકાર્યું . જેના કારણે તેમણે આગળનો અભ્યાસ યવતમાળ અને પુણેની રાષ્ટ્રીય શાળામાં કર્યો.
મેટ્રીક સુધીનો અભ્યાસ કર્યા પછી ૧૯૧૦માં તેઓને એ સમયે હિંદુ મહાસભાના પ્રમુખ ડૉ મુંજે એ તેમને વૈદકીય અભ્યાસ માટે કોલકત્તા મોકલ્યા અને એક વર્ષની શિખાઉ તાલિમ લઈ ૧૯૧૫માં તેઓ નાગપુર આવ્યા કેશવની યુવાની એમના સ્વરાષ્ટ્ર માટેના સદ્કાર્યો અને રાષ્ટ્રપ્રેમથી સોળેકળા એ ખીલી હતી શરીરનો બાંધો મજબૂત અને પડછંદ ઘડાયો હતો હવે કેશવ કેશવરાવ તરીકે લોકહૈયે વસ્યા પણ એ સમયે કેશવરાવ પારિવારિક આર્થિક મુશ્કેલીઓ સામે સંઘર્ષ કરી રહ્યા હતા એમણે એક શાળામાં શિક્ષક તરીકેની નોકરી સ્વીકારી અને સાથે સાથે ટ્યુશનો લેવાના શરુ કર્યું પણ કેશવરાવને હજુ કંઈક જીવનમાં ખૂટતું હોય એમ લાગ્યું એમના અંતર્મન ને બંગાળ આકર્ષી રહ્યું હતું કેશવરાવને ડોક્ટર થવાની ઈચ્છા હતી ડૉ મુંજે ના પ્રયત્નોથી કેશવરાવ કોલકાતામાં સ્થાયી થયા એ સમયે કોલકાતા કે ક્રાંતિકારીઓ નું મહાતીર્થ હતું તેમણે બંગાળી ભાષા પર પ્રભુત્વ મેળવ્યું અને માં ગંગાની ગોદમાં ડૂબકી લગાવતા લગાવતા બંગાળના સામાજિક જીવનમાં કાર્યશીલ થયા બિપીનચંદ્ર પાલ , પ્રફુલ્લ ચંદ્ર ગાંગુલી , સુભાષ બાબુ જેવા મહાનુભાવોના સંપર્કમાં આવ્યા અને રામકૃષ્ણ આશ્રમની પ્રવૃત્તિઓ માં કાર્ય કરવા લાગ્યા આમ બંગાળના સમાજજીવનમાં તેઓ સક્રિય બન્યા હજુ પણ દરિદ્રતા અને ગરીબી કેશવરાવનો પીછો છોડતી નોહતી પણ ગરીબીના કારણે કેશવરાવે પોતાના વ્યક્તિત્વમાં ઉની આંચ ના આવવા દીધી એમણે આવી વિકટ પરિસ્થિતિમાં પણ હસતા ચહેરે પોતાનો શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ ચાલુ રાખ્યો મિત્રો પાસેથી માંગેલી ચોપડીઓ રાતભરનું વાંચન સવારે માંગેલી ચોપડીઓ મિત્રોને પાછી આપે આ પરિસ્થિતિમાં પણ એમનો અભ્યાસ શ્રેષ્ઠ રહ્યો આમ તેઓ ડોક્ટર થયા અને તેમણે જૂન ૧૯૧૪માં તેમણે એલ. એમ.એસ. ની પરીક્ષા પાસ કરી એલ એમ એન્ડ એસ ની ઉપાધિ મેળવી ત્યારબાદ એમણે પારિવારિક જીવન જીવવાની જગ્યા એ દેશની સ્વતંત્રતા માટે જીવન સમર્પિત કરવાનો નીર્ધાર કર્યો અને દેશની સ્વતંત્રતા માટે કામ કરવા લાગ્યા. રાષ્ટ્રના કલ્યાણ માટે તેઓએ સંકલ્પ , સ્વાતંત્ર્ય નામે સાપ્તાહિક અને દૈનિક ચલાવ્યા આ સાથે રાષ્ટ્રીય મંડળ , રાષ્ટ્રીય ઉત્સવ મંડળ , વર્ધા નું રાષ્ટ્રીય સ્વયંસેવક મંડળ , ગણેશોત્સવ મંડળ , શિવાજી ઉત્સવ મંડળ , હિંદુ મહા સભા , કોંગ્રેસ જેવી અનેક સંસ્થાઓમાં પુરી ઉર્જા સાથે કામ કરવા લાગ્યા પણ એમણે એવું અનુભવ્યું કે રાજકારણ અને ક્રાંતિકારીઓની ક્રાંતિ આઝાદી સમયમાં અને આઝાદી પછી સમાજના ગુલામ જનમાનસને નહિ બદલી શકે ભારત માતાને પરમ વૈભવ પર પ્રસ્થાપિત કરવા માટે કોઈ નવો માર્ગ શોધવો રહ્યો અને એમણે એ માર્ગ શોધ્યો ,એ માર્ગ પર જાતે ચાલ્યા, એ માર્ગ સામાજિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક બનાવ્યો અને આજે પણ કેશવરાવજી એ બતાવેલા માર્ગ પર દેશ દુનિયાના કરોડો સમાજ સેવકો ચાલી રહ્યા છે ડોક્ટરજીએ બતાવેલો એ જીવન ઉત્થાન થી રાષ્ટ્રઉત્થાન નો એ માર્ગ એટલે “રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ” ૧૯૨૫ ની સાલમાં વિજયા દશમીના પવિત્ર દિવસે કેશવરાવ હેડગેવારજી એ “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ”ની સ્થાપના કરી. તેનો ઉદ્દેશ હિંદુ સમાજના સંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પુનર્જીવન કરીને સમાજનું અનંતકાળ સુધી પુનર્ગઠન કરવાનો અને તેના દ્વારા દેશને સ્વદેશી અને આત્મનિર્ભર બનાવવાનો હતો અને એ રીતે ભારતને વિશ્વગુરુ બનાવવાનો છે એ દિવસથી સંઘની થોડીઘણી શાખાઓ શરુ થઇ અને આજે ડોક્ટર સાહેબ ની દીર્ઘ દ્રષ્ટિ અને સરસંઘ ચાલકશ્રીઓ , સંઘના પદાધિકારીઓ અને સ્વયસેવકોના અત્યંત સાદગી પૂર્વકના જીવન સાથે અથાગ પરિશ્રમથી સંઘની શાખાઓ સામાજિક થી લઈને રાષ્ટ્રીય અને વૈશ્વિક બની ગઈ છે અને આત્મકલ્યાણ ,સમાજકલ્યાણ ,રાષ્ટ્રકલ્યાણ અને એ રીતે વિશ્વ કલ્યાણ ના અનેક વિધ કામો થઇ રહ્યા છે. માં ભારતીની કૂખે જન્મેલા ડૉ કેશવરાવ બલિરામ હેડગેવારજીની ચેતના આજે પણ સ્વયંસેવકો ના સદ્કાર્યોમાં અને હિંદહૃદય માં જીવંત છે !!
રાષ્ટ્ર વિચાર
” આપણને વિશ્વાસ છે કે ભગવાન આપણી સાથે જ છે ,
આપણું કામ કોઈના પર આક્રમણ કરવાનું નથી
પણ આપણી શક્તિ ઉજાગર કરી અને સંગઠન કરવાનું છે
હિંદુ ધર્મ અને હિંદુ સંસ્કૃતિ માટે આપણે આ પવિત્ર કાર્ય કરવું જોઈએ
અને આપણી ઉજ્જવળ સંસ્કૃતિની રક્ષા કરી એની વૃદ્ધિ કરવી જોઈએ
તો જ આજની દુનિયામાં આપણો સમાજ ટક્યો રહેશે !
– ડૉ કેશવરાવ બલિરામ હેડગેવાર