કેસર કેરીના રસીયા માટે ખુશીના સમાચાર, ગોંડલના માર્કેટયાર્ડમાં મોટા પ્રમાણમાં કેરીનો જથ્થો આવ્યો
- ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન
- આઠથી દસ દિવસ વહેલું થયું આગમન
- 10 કિલોના 800 થી 1400 સુધીના ભાવ
રાજકોટ: ઉનાળાની શરૂઆત થઈ નથી કે, કેસર કેરીના રસીયાઓ કેરી માટે તલમલી ઉઠતા હોય છે, ત્યારે સૌરાષ્ટ્રના જાણીતા એવા ગોંડલના શાકભાજી માર્કેટમાં મધુરકેસર કેરીનો મોટા પ્રમાણમાં જથ્થો આવ્યો છે. કેસર કેરી એ તો ફળોનો રાજા કહેવામાં આવે છે. ત્યારે આ વખતે કેસર કેરીના ભાવ કેટલા રહી શકે છે તેના વિશે પણ અમે તમને જાણકારી આપીએ.
આ વખતે માર્કેટમાં હાલ એટલે કે ગોંડલના માર્કેટ યાર્ડમાં મધુર કેસર કેરીનો ભાવ 800 થી 1400 રૂપિયા પ્રતિ 10 કિલો છે. મહત્વનું તો એ છે કે આ વખતે કેસર કેરીનું આગમન બજારમાં ગયા વર્ષ કરતા આઠ – દસ દિવસ વહેલું થયું છે.
કેસર કેરીની સિઝનની શરૂઆતથી જ સ્વાદ પ્રેમીઓ માટે કેરીની સારી આવક જોવા મળી છે. હાલમાં ગોંડલ માર્કેટ યાર્ડમાં કંટાળા,જસાધાર, ઉના, તાલાલા સહિતના પંથકમાંથી કેસર કેરીની આવકો જોવા મળી છે.ત્યારે યાર્ડમાં કેસર કેરીની સિઝનના પ્રારંભ સાથે કેરીના 1200થી 1500 બોક્સની આવક થવા પામી છે.
ખેડૂતો તથા વેપારીઓના જણાવ્યા મુજબ આ વખતે કેસર કેરીનું આગમન બજારમાં સમય કરતા વહેલા થતા તેઓ માની રહ્યા છે કે આ વખતે કેસર કેરીની સીઝન ગયા વર્ષ કરતા વધારે ચાલી શકે તેમ છે. હાલ કેસર કેરીના ભાવ 800 થી શરૂ થાય એવા છે પરંતુ માંગ વધતા આગામી સમયમાં તેના ભાવ નોંધપાત્ર રીતે વધી શકે તેમ છે.
કેસર કેરીનું વેંચાણ હમણા થોડા દિવસોથી શરુ થયુ હોવાથી બજારમાં નકલી રસથી પણ લોકોએ સાવચેત રહેવું જોઈએ, તેવુ જાણકારોનું માનવું છે.