અમદાવાદઃ શહેરમાં કોરોનાના સંક્રમણને કારણે રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લાદવામાં આવ્યો છે. તેના કારણે હોટલ, અને રેસ્ટોરન્ટ ઉદ્યોગને ભારે ફટકો પડ્યો છે. શહેરમાં 40 ટકા હોટલ અને રેસ્ટોરન્ટને તાળાં ગયા છે. ઘણી રેસ્ટોરન્ટો ભાડાની દુકાનોમાં ચાલતી હતી. તોતિંગ ભાડા, વેઈટરોના પગાર અને અન્ય ખર્ચાઓ પણ કાઢી ન શક્તા હોવાથી ઘણાબધા સંચાલકોએ રેસ્ટોરન્ટો બંધ કરી દીધી છે . હોટલો-રેસ્ટોરન્ટસમાં મોટે ભાગે રાતની ઘરાકી રહેતી હોય છે. હાલ રાત્રે 9 વાગ્યાથી કરફ્યુનો અમલ શરૂ થઈ જતો હોવાથી 9 વાગ્યા પહેલા હોટલ-રોસ્ટોરન્ટસ બંધ કરી દેવાની ફરજ પડી રહી છે. આથી કરફ્યુના સમયમાં રાત્રે ફુડ પાર્સલની હોમ ડિલિવરી કરવાની છૂટ આપવામાં આવે તેવી માગ ઊઠી છે.
શહેરમાં છેલાં ૨૦ દિવસથી કોરોનાનો રોગચાળો વકરી રહ્યો છે. અને તેના કારણે રાત્રી કરફયુ અમલી બનતાં શહેરની હોટલો, રેસ્ટોરન્ટસ, ખાણી પીણી બજાર વગેરેને રાત્રે 8 વાગ્યા પહેલાં ફરિજયાતપણે બંધ કરી દેવા પડે છે. અને તેના કારણે અત્યાર સધીમાં હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગને અંદાજે. કરોડોનું નુકસાન થયું છે. શહેરમાં લગભગ ૧૦ હજાર જેટલી નાની મોટી હોટલો,રેસ્ટોરન્ટસ, ખાણી પીણીના યુનિટ આવેલા છે. અત્યાર સુધીમાં શહેરમાં લગભગ ૪૦ ટકા હોટલ,રેસ્ટોરન્ટસ બંધ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના પુણેમાં સાજં 6 વાગ્યાથી રાત્રી કરફયુ અમલી બન્યો છે. પરંતુ હોટલ, રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી, ફુડ ડીલીવરીની છૂટ આપવામાં આવી છે.
ગુજરાત હોટલ એસોસીએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત વર્ષે લાંબા સમય માટે લોકડાઉન અમલી રહેવાને કારણે હોટલ અને રેસ્ટોરન્ટસ ઉદ્યોગને મરણતોલ ફટકો પડયો છે અને ફરીથી રાત્રી કરફ્યુ અમલી બનતાં હોટલ ઉદ્યોગને ભારેનુકસાન થઈ રહ્યુ છે. કોવિડ-૧૯ની ગાઈડ લાઈનનો અમલ કરાવીને હોટલો અને રેસ્ટોરન્ટને વધુ સમય માટે ખુલી રાખવાની છૂટ આપવી જોઈએ. હોમ ડીલીવરી, ફુડ ડીલીવરી કરનારા હોટલ, રેસ્ટોરન્ટની સંખ્યા મર્યાદિત છે.