ભાજપનો 41મો સ્થાપના દિવસ: ભાજપ ચૂંટણી જીતવા માટેનું મશીન નથી પણ લોકોનું દિલ જીતવા માટેનું અભિયાન છે: PM મોદી
- ભાજપનો આજે 41મો સ્થાપના દિવસ
- પીએમ મોદીએ પાર્ટીના કાર્યકરોને કર્યા સંબોધિત
- અમારી સરકારનું મૂલ્યાંકન તેની ડિલિવરી સિસ્ટમ દ્વારા થઇ રહ્યું છે: PM મોદી
નવી દિલ્હી: ભાજપ આજે પોતાના 41માં સ્થાપના દિવસની ઉજવણી કરી રહ્યું છે. આ પ્રસંગે પીએમ મોદીએ કાર્યકરોને સંબોધિત કર્યા હતા. તેમણે પાર્ટી સાથે સંકળાયેલા તમામ સભ્યોને નમન કર્યું હતું. તેમણે આ પ્રસંગે પક્ષના સભ્યોને અભિનંદન આપ્યા હતા. પીએમ મોદીએ આ સમયગાળા દરમિયાન કોરોના વાયરસ સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભાજપ ચૂંટણી જીતવા માટેનું મશીન નથી પણ લોકોનું દિલ જીતવા માટેનું અભિયાન છે. અમારી સરકારનું મૂલ્યાંકન તેની ડિલિવરી સિસ્ટમ દ્વારા થઇ રહ્યું છે. તે દેશમાં સરકારોની કામગીરીનું નવું સૂત્ર બની રહ્યું છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે, ભાજપ સ્થાપના દિવસ પર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આજે પાર્ટીની ગૌરવપૂર્ણ યાત્રાના 1 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. આ 41 વર્ષ સાક્ષી છે કે, પાર્ટી સેવા અને સમર્પણ સાથે કાર્ય કરે છે. આ સમય દરમિયાન તેમને ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપે હંમેશા ‘વ્યક્તિ કરતા પાર્ટી મોટી હોય છે અને પાર્ટી કરતા રાષ્ટ્ર મોટું હોય છે’ ના મંત્ર પર કામ કર્યું છે.
તેમણે ભાજપના કાર્યકરોને તેમના વિરોધીઓ સામે જાગૃત રહેવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે, વિરોધીઓ મૂંઝવણ ફેલાવીને લોકોને ઉશ્કેરે છે. ભાજપના કાર્યકરોએ સાવધ રહેવું જોઇએ. તેમણે કહ્યું કે, આજે ખોટી ખોટી ભૂલો કરવામાં આવે છે. કેટલીક વાર સીએએને લઇને, ક્યારેક કૃષિ કાયદાઓને ધ્યાનમાં રાખીને, તો ક્યારેય મજૂર કાયદાને ધ્યાનમાં રાખીને, દરેક બીજેપી કાર્યકરને સમજી લેવું જોઇએ કે તેની પાછળ એક વિચારેલું રાજકારણ છે, આ એક મોટું કાવતરું છે.
અહીં તેમણે ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, ‘ભારતીય જનતા પાર્ટીને આકાર અને વિસ્તરણ આપનારા આપણા આદરણીય લાલકૃષ્ણ અડવાણીજી, આદરણીય મુરલી મનોહર જોશીજી જેવા ઘણા વરિષ્ઠ લોકો દ્વારા હંમેશા આશીર્વાદ મળ્યા છે.’ પીએમએ કહ્યું કે દેશમાં ભાગ્યે જ કોઈ રાજ્ય કે જિલ્લા હશે, જ્યાં પાર્ટી માટે બે ત્રણ પેઢીઓએ યોગદાન ન આપ્યું હોય. આ પ્રસંગે, હું જન સંઘથી લઈને ભાજપ સુધી રાષ્ટ્ર સેવાના આ યજ્ઞમાં ફાળો આપનારા દરેક વ્યક્તિને હું માન આપું છું.
(સંકેત)