પંજાબમાં કોરોનાના કેસમાં વધારો થતા સરકાર ચિંતિત : ૩૦ એપ્રિલ સુધી નાઈટ કર્ફ્યું નખાયો
- કોરોના વધતા પંજાબ સરકારની જાહેરાત
- આજથી ૩૦ એપ્રિલ સુધી રહેશે નાઈટ કર્ફ્યું
પંજાબમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા પંજાબ સરકારે જાહેરાત કરી છે કે, આજથી 30 એપ્રિલ સુધી રાજ્યમાં રાત્રે 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ રહેશે. પંજાબમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને બુધવારની રાતથી નાઇટ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. નાઇટ કર્ફ્યુમાં રાત્રે 9 થી સવારના 5 વાગ્યા સુધી લોકોને ઘરની બહાર જવા દેવાશે નહીં. આ સિવાય ઇનડોર આયોજનમાં 50 અને આઉટડોરમાં ફક્ત 100 લોકોને સામેલ થવાની મંજુરી આપવામાં આવી છે.
તો બીજી તરફ,દેશમાં કોરોના વાયરસના નવા કેસોના રેકોર્ડમાં સતત વધારો થતો જાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના હાલના આંકડા મુજબ,દેશમાં સંક્રમણના 1,15,736 નવા કેસ નોંધાયા છે, જે એક દિવસમાં સૌથી વધુ કેસ છે. ઝડપથી વધી રહેલા સંક્રમણને કારણે, કોવિડના એક્ટિવ દર્દીઓની સંખ્યા પણ 8,43,473 થઇ ગઈ છે. તો, છેલ્લા 24 કલાકમાં 630 વધુ લોકોનાં મોત થયાં છે.
રાજ્યમાં ઝડપથી વધી રહેલા કોરોનાના કેસોને જોતા હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષ વર્ધનનું નિવેદન સામે આવ્યું છે. તેમણે મંગળવારે કહ્યું હતું કે, પંજાબમાં કોવિડના કુલ કેસોમાં 80 ટકા યુકેના વેરીએન્ટ છે. આ સિવાય તેમણે દાવો કર્યો છે કે, હાલના સંક્રમણમાં વધારો થવા પાછળનાં કારણો લગ્ન,સ્થાનિક બોડીની ચૂંટણીઓ અને ખેડૂત વિરોધ હોઈ શકે છે.