અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે તેથી સરકારે જાહેર કાર્યક્રમો પર રોક લગાવી દીધી છે. બીજી બાજુ સરકારી ભરતીના કાર્યક્રમો પણ પાછા ઠેલવામાં આવી રહ્યા છે જેમાં પી.એસ.આઈ કેડરની શારીરીક કસોટી એપ્રિલ-2021માં લેવામાં આવવાની હતી પણ કોવિડ-19ની પ્રર્વતમાન પરિસ્થિતિને ધ્યાને લઇ આ શારિરીક કસોટી હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. હવે પછી પરીક્ષાનો નવો કાર્યક્રમ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે. તેમ જણાવવામાં આવ્યુ છે.
રાજ્યમાં કોરોનાની મહામારીના કારણે પી.એસ.આઈની શારીરિક ભરતી પ્રક્રિયા એપ્રિલ મહિનામાં યોજાવાની હતી. જોકે પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવતા લાંબા સમયથી તે માટે તૈયારી કરી રહેલા ઉમેદવારોને થોડો વધારે સમય મળી રહેશે. જાણકારી મુજબ અંદાજે 4 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના હતા. પી.એસ.આઈ કેડર ભરતી-2021ની વખતો વખતની સુચના માટે ભરતી બોર્ડની વેબસાઇટ https://psirbgujarat2021.in જોતા રહેવાની સલાહ આપવામાં આવી છે.
માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળ વર્ગ-1,2 અને 3ની ભરતી માટે આગામી 10મી એપ્રિલે પરીક્ષા યોજાવાની છે. આ પરીક્ષામાં આઠ હજાર કરતાં પણ વધારે ઉમેદવારો પરીક્ષા આપવાના છે. નાયબ માહિતી નિયામક વર્ગ-1, સહાયક માહિતી નિયામક વર્ગ-2ની પ્રિલિમનરી પરીક્ષા 10 એપ્રિલે સવારે 10 વાગ્યે યોજાશે. જ્યારે સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ-3ની પરીક્ષા બપોરે 3 વાગ્યે ફાળવવામાં આવેલા વિવિધ સેન્ટરો પર યોજાશે.
તે ઉપરાંત કોરોનાની પરિસ્થિતિને જોતાં જીપીએસસી દ્વારા યોજવામાં આવનાર 10 પરીક્ષાઓની તારીખો બદલવામાં આવી હતી. જેમાં પરિક્ષેત્ર વન અધિકારીની પરીક્ષા અગાઉ 4 એપ્રિલે યોજાવાની હતી. જેની તારીખમાં ફેરફાર થતાં હવે તે 18 એપ્રિલે યોજાશે. નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતદાર વર્ગ-3ની પરીક્ષા અગાઉ 18 એપ્રિલે યોજાવાની હતી. જે હવે 9મી મેના રોજ યોજાશે. આ સિવાયની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ મે મહિનામાં યોજાઈ રહી છે.