કોરોના મહામારીઃ અમદાવાદમાં 18 ખાનગી હોસ્પિટલોમાં 1219 બેડ વધારવાનો AMCનો નિર્ણય
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ સતત વધી રહ્યાં છે. રાજ્યમાં સૌથી વધારે અમદાવાદ અને સુરતમાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા માટે કોર્પોરેશન દ્વ્રારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કોરોના પીડિતોની સંખ્યામાં થઈ રહેલા વધારાના પગલે કોવિડ-19 હોસ્પિટલમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. શહેરની 18 ખાનગી હોસ્પિટલોમાં 1219 બેડ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સરેરાશ 3 હજારથી વધારે પોઝિટિવ કેસ કોરોનાના સામે આવી રહ્યાં છે. જેથી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં રોકેટ ગતિએ પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન 450 બેડની કેપિસીટી ધરાવતી સોલા સિવિલમાં 240 બેડ કોરોનાના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યાં છે. 450માંથી 68 બેડ આઈસીયુવાળા છે અને તે 68 બેડમાંથી 13 બેડ કોવિડના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યાં છે. શહેરની 18 ખાનગી હોસ્પિટલોમાં 1219 બેડ વધારવામાં આવ્યાં છે. તેમજ અગાઉના નિર્ધારિત ચાર્જ તેમજ સારામાં સારી સુવિધા નાગરિકોને મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.