ગૂગલની ડેવલપર કૉન્ફરન્સ આ વર્ષે 18મેથી યોજાશે, યૂઝર્સ નિ:શુલ્ક રજિસ્ટ્રેશન કરાવી શકશે
- ગૂગલે તેની ડેવલપર કોન્ફરન્સ Google I/O ની જાહેરાત કરી
- આ વખતે 18મેથી 30 મે સુધી વર્ચ્યુઅલ ઇવેન્ટ યોજાશે
- ઇવેન્ટમાં સૌની નજર એન્ડ્રોઇડ 12 પર રહેશે
નવી દિલ્હી: ગૂગલે આ વર્ષની તેની ડેવલપર કોન્ફરન્સ Google I/Oની જાહેરાત કરી દીધી છે. કંપની દર વર્ષે આ કોન્ફરન્સ યોજી સોફ્ટવેર રજૂ કરે છે. કોરોના મહામારીને કારણે આ વખતે 18મેથી 30 મે સુધી વર્ચ્યુઅલ ઇવેન્ટ યોજાશે. ઇવેન્ટમાં સૌની નજર એન્ડ્રોઇડ 12 પર રહેશે.
ગૂગલના CEO સુંદર પિચાઇએ કહ્યું હતું કે આ વર્ષની ડેવલપર કોન્ફરન્સ બધા માટે નિ:શુલ્ક રહેશે. તેના માટે યૂઝરે નોંધણી કરવી પડે છે. આ ઇવેન્ટમાં કંપની હાર્ડવેર પ્રોડક્ટ પણ લોન્ચ કરી શકે છે.
આપને જણાવી દઇએ કે વર્ષ 2019ની ઇવેન્ટમાં કંપનીએ પિક્સલ 3A અને નેસ્ટ હબ સ્માર્ટ ડિસ્પ્લેની જાહેરાત કરી હતી. આ વખતની ઇવેન્ટમાં કંપની એન્ડ્રોઇડ 12 ઑપરેટિંગ સિસ્ટમ રજૂ કરી શકે છે. આ ઇવેન્ટમાં કંપની નવી વિયર OS અપડેટ પણ રિલીઝ કરી શકે છે.
કંપની આ ઉપરાંત આ ઇવેન્ટમાં પિક્સલ 5a સ્માર્ટફોન લોન્ચ કરે તેવી શક્યતા છે. પિક્સલ 5aમાં ડ્યુઅલ કેમેરા મળી શકે છે. તેમાં 6GB રેમ અને 128GB ઓનબોર્ડ સ્ટોરેજ તેમજ 3.1 UFS સ્ટોરેજ મળી શકે છે. ફોનમાં 3.5 હેડફોન જેક, રિયર ફિંગરપ્રિન્ટ રીડર તેમજ સ્ટીરિયો સ્પીકર હશે. ફોનની બેટરી 3840 mAh બેટરી 20 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે મળી શકે છે.
આ રીતે રજિસ્ટ્રેશન કરી શકો છો
ગૂગલની આ ઈવેન્ટ જોવા માટે Google I/O 2021ની વેબસાઈટ પર જાઓ.
વેબસાઈટ ઓપન કરતાં જ રજિસ્ટ્રેશન બોક્સ પોપ અપ થશે.
રજિસ્ટ્રેશન કરવાનો ફાયદો એ થશે કે તમે વર્કશોપ અને AMA (આસ્ક મી એનીથિંગ) સેશન જોઈન કરી શકાશો. તમારા ઈમેલ આઈડીથી તમે રજિસ્ટર્ડ કરી શકો છો.
(સંકેત)