- રામથાન પરા સ્મશાન ખાતે અંતિમવિધિના કાર્યોમાં જોડાતા RSSના સ્વયંસેવકો
- મૃતદેહોની યોગ્ય રીતે અંત્યેષ્ઠી થાય તે માટે RSSના સ્વયંસેવકો સતત સક્રીયપણે જોડાયા છે
- તેઓ તકેદારીના ભાગરૂપે મૃતદેહોને સંપૂર્ણપણે પેક કરીને પરિવારને સોંપે છે
રાજકોટ: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. ભારતમાં પણ દૈનિક 1 લાખથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે ત્યારે સ્થિતિ એટલી વિકટ બની છે કે સ્મશાનગૃહોમાં પણ મૃતદેહોની અંત્યેષ્ઠી માટે લાઇન લાગી રહી છે. સ્માશનગૃહોમાં પણ લાંબી લાઇનો લાગી છે.
આ વિકટ પરિસ્થિતિમાં આરોગ્ય અને વ્યવસ્થા તંત્રને પૂરક બનવું એ સૌની ફરજ અને કર્તવ્ય છે. સ્મશાનગૃહો પોતાની મર્યાદા બહાર ચાલી રહ્યા છે. આ સમયમાં ખાસ કરીને મૃતદેહો સન્માનપૂર્વક તેમના પરિવારજનોને સોંપાય અને તેમની યોગ્ય અંત્યેષ્ઠી થાય તે માટે સહાયની આવશ્યક્તા છે.
આ સહાય માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભૂમિકા ખરા અર્થમાં પ્રેરણાદાયક છે. રાષ્ટ્રહિત અને રાષ્ટ્રના કોઇપણ સંકટમાં નિ:સ્વાર્થ સેવા માટે હરહંમેશ સમર્પિત રહેતા સંગઠન એવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કોવિડ-19 મહામારી દરમિયાનની ભૂમિકા પણ સમાજ માટે પ્રેરણા સમાન કહી શકાય. કોરોના જેવા સંકટકાળમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોની યોગ્ય રીતે અંત્યેષ્ઠી થાય તે માટે RSSના સ્વયંસેવકો સતત સક્રીયપણે જોડાયા છે.
રાજકોટમાં આવેલા રામનાથ પરા સ્મશાન ખાતે અંતિમવિધિના કાર્યોમાં મૃતદેહોની યોગ્ય રીતે અંત્યેષ્ઠી થાય તે માટે સ્વયંસેવકો મૃતદેહોને સન્માનપૂર્વક તેમના પરિવારજનોને સોંપાય તે રીતે કાર્ય કરી રહ્યા છે. તેઓ તકેદારીના ભાગરૂપે મૃતદેહોને સંપૂર્ણપણે પેક કરીને પરિવારને સોંપે છે. તે ઉપરાંત કોરોનામાં સાવચેતી તરીકે બીજા કોઇને પણ અસર ના થાય તે રીતે તેને સુરક્ષીત કરાય છે.
નોંધનીય છે કે, કોવિડ-19 મહામારીના આ વિકટ સમયમાં જ્યારે ડૉક્ટરો, નર્સ, પોલીસ, આરોગ્ય કર્મીઓ જેવા કૉરોના વોરિયર્સ નિ:સ્વાર્થપણે સેવા આપી રહ્યા છે ત્યારે તેની સાથોસાથ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ જે રીતે સેવાકાર્યોમાં સમર્પણ અને યોગદાન આપી રહ્યું છે તે સમાજના અન્ય લોકો માટે દ્રષ્ટાંતરૂપ ચોક્કસપણે કહી શકાય.
(સંકેત)