ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી મોકુફ રાખવા CM રૂપાણીએ રાજ્ય ચૂંટણી પંચને લખ્યો પત્ર
- કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી કરી અપીલ
- અગાઉ કોંગ્રેસ અને આપ દ્વારા કરાઈ હતી રજૂઆત
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસ ચિંતાજનકરીતે વધી રહ્યા છે. 20 જેટલા શહેરોમાં રાત્રી કરફ્યુ અમલમાં મુકવામાં આવ્યો છે. ઘણા શહેરોમાં તો વેપારી મંડળોએ સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યો છે આવી સ્થિતિમાં તા.18મી એપ્રિલનો રોજ યોજાનારી ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી મુલત્વી રાખવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ માગણી કરી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ આજે રાજ્ય ચૂંટણી પંચને પત્ર લખીને ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવા અપીલ કરી છે.
સીએમ રૂપાણીએ પત્રમાં જણાવ્યું છે કે, આ સામાન્ય ચૂંટણીઓમાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેવારો, કાર્યકરો અને સમર્થકો પ્રચાર માટે મોટી સંખ્યામાં જોડાય તે સ્વાભાવિક છે. એટલુ જ નહિ ચૂંટણી કામગીરીમાં પણ મોટી સંખ્યામાં કર્મચારીઓ અધિકારો ફરજ કાર્યરત રહેશે. આવા સંજોગોમાં કોરોના સંક્રમણ વ્યાપક પણે વધવાની પૂરી શક્યતાઓ રહેલી છે. રાજ્ય ચૂંટણી પંચ આ બધી બાબતો નો વિચાર કરી ગાંધીનગર મહા નગપાલિકા ની સામાન્ય ચૂંટણીઓ વિશાળ જનહિતમાં મોકૂફ રાખે તેવી વિનંતી છે.
ગુજરાતમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ ચિંતાવ્યક્ત કરી હતી. આમ આદમી પાર્ટીએ પણ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી મોકુફ રાખવા અપીલ કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમતિ ચાવડાએ ચીફ જસ્ટિસને પત્ર લખીને આ મુદ્દે રજૂઆત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીનું તા. 18મી એપ્રિલના રોજ મતદાન યોજાશે. તેમજ તા. 20મી એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરવાનું ચૂંટણી પંચે આયોજન કર્યું હતું. જો કે, રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી મોકુફ રાખવા વિનંતી કરાતા આગામી દિવસોમાં ચૂંટણીપંચ આ અંગે નિર્ણય કરશે.