નવી દિલ્હી: ગત વર્ષે વૈશ્વિક કોરોના મહામારીના ભારતમાં પ્રવેશ બાદ 10 એપ્રિલે લાખો-કરોડો ભારતીયોએ પીએમ મોદીની કોરોના સંક્રમણ વિરુદ્વની લડાઇ સામે સંકલ્પ કર્યો હતો અને તેને મ્હાત કરવા માટે એકજૂટતા દર્શાવી હતી. એ સમયે દેશમાં કુલ 6761 કેસ હતા અને મૃતકાંક 206 હતો.
પરંતુ હાલના સમયની વાત કરીએ તો ભારતમાં કોવિડના 1,45,384 નવા કેસ સામે આવ્યા છે. જે પછી કુલ કેસનો આંકડો વધીને 1,32,05,926 થયો છે. જ્યારે મૃત્યુઆંક 1,68,436 સુધી પહોંચી ગયો છે. જેમાં ભારતના અનેક રાજ્યો સપડાયા છે.
કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયના કહેવા મુજબ 10 રાજ્યોમાં રોજના કેસમાં ભારે વધારો નોંધાયો છે જેમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, તમિલનાડૂ, કેરળ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાન સામેલ છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ દેશમાં સામે આવેલા કુલ કેસના 82.82 ટકા કેસ આ દસ રાજ્યોમાં છે. ભારતમાં હાલની સ્થિતિ મુજબ સક્રિય કેસનો આંકડો છ મહિના પછી ફરી એક વાર 10 લાખ કેસથી વધુ છે. જેની સાથે મૃત્યુઆંક પણ ગંભીર રીતે વધી રહ્યો છે.
જોકે વૈશ્વિક મહામારી સામે સૌથી મહત્વના હથિયાર રુપે કોરોના રસીના આવ્યા બાદ અને ભારતમાં 16 જાન્યુઆરીએથી શરુ થયેલા રસીકરણ અભિયાનમા અત્યાર સુધી 9.78 કરોડથી વધુ ડોઝ અપાઇ ચૂક્યા છે અને સરકાર રોજના 20 લાખ ભારતીયોને કોરોના રસી આપવાના ટારગેટ પર કામ કરી રહી છે.
કોરોના વાયરસના નવા પ્રકારમાં બ્રિટન સ્ટ્રેઇન, બ્રાઝીલ અને આફ્રિકામાં જોવા મળેલા કોરોનાના વેરિયન્ટ સામેલ છે. જોકે મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ડબલ મ્યુટેન્ટ કોરોના વાયરસનો પ્રકાર જોવા મળ્યો છે જે નવા કેસમાં ઝડપથી થઇ રહેલા વધારા માટે જવાબદાર માનવામાં આવી રહ્યો છે.
(સંકેત)