અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે. શનિવારે કોરોના કેસ 5000ને વટાવી ગયા હતા. આ વખતે મહાનગરો જ નહી પણ નાના શહેરોમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. પાટણમાં શનિવારે 118 કેસ નોંધાતા તંત્ર દોડતુ થયું હતું. પાટણમાં સતત વધતા કોરોનાના સંક્રમણને લઇને મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આજે પાટણની મુલાકાત લીધી હતી. પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા ૦૬ દિવસથી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં મોટો આંકડો નોંધાઇ રહ્યો છે. સતત ૧૨૫ ને પાર પોઝીટીવ દર્દીઓનો આંક સામે આવી રહ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જિલ્લા કલેક્ટર, આરોગ્ય અધિકારી, GMERS ડીન, જિલ્લા પોલીસ વડા સહિત શહેરના સામાજિક આગેવાનો સાથે બેઠક યોજી હતી. તેમજ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી.
કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી પાટણ ખાતે આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી.જેમાં મુખ્યપ્રધાને પાટણ શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસ,ટેસ્ટિંગ,ટ્રેસિંગ,કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો,બેડની સંખ્યા,ઓકિસજનની સુવિધા, વેન્ટીલેટર,દવાઓ, સારવારની સુવિધા, આરોગ્ય સ્ટાફ સહિતની વિગતો મેળવીને કોરોના નિયંત્રણ અને જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રને માર્ગદર્શન કરીને સૂચનોઓ આપી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકીમ, ભાજપના જિલ્લા પ્રમુખ, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ,ખાસ ફરજ પરના અધિકારી મમતા વર્મા, જિલ્લા વિકાસ અધિકારી,રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા સહિત પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત રહીને કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા- વિચારણા કરી હતી.