ભારતની મોટી કાર્યવાહી: પાકિસ્તાનના બે સૈન્ય અધિકારીઓ સહીત 12 પાકિસ્તાની સૈનિકો ઠાર, છ ચોકીઓ તબાહ
તાજેતરમાં નિયંત્રણ રેખા પર થઈ રહેલા ભારે ગોળીબારનો જવાબ આપતા ભારતે શુક્રવારે પાકિસ્તાને આકરો પાઠ ભણાવ્યો છે. જમ્મુના અખનૂરના કેરી બટ્ટલ સેક્ટરમાં ભારતની જવાબી કાર્યવાહીમાં બે પાકિસ્તાની સૈન્ય અધિકારીઓ સહીત 12 સૈનિકો ઠાર થયાના અહેવાલ છે.
પાકિસ્તાનની છ ચોકીઓ તબાહ થઈ છે અને લગભગ 23 પાકિસ્તાની સૈનિકોના ઈજાગ્રસ્ત થવાના અહેવાલ બાદ જાણકારી મુજબ, સીમા પારથી પાકિસ્તાની સૈનિકોની લાશો ઉઠાવવા માટે તેમના બે એમઆઈ-17 હેલિકોપ્ટરોએ બે ચક્કર પણ લગાવ્યા છે. જો કે આના સંદર્ભે સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ પહેલા હોળીના દિવસે ગુરુવારે બપોરે પોણા ત્રણ વાગ્યે પાકિસ્તાને અખનૂરના કેરી બટ્ટલની સાથે રાજૌરીના નૌશેરા સેક્ટરના કલાલ અને દેંગ વિસ્તારમાં શસ્ત્રવિરામ ભંગ કરીને મોર્ટાર શેલિંગ કર્યું હતું.
પાકિસ્તાન કેરી બટ્ટલ સેક્ટરને છેલ્લા ઘણાં સમયથી નિશાન બનાવી રહ્યું છે. આ ગોળીબાર દરમિયાન કેરી બટ્ટલમાં ભારતીય ચોકીની પાસે મોર્ટાર શેલ ફાટવાને કારણે એક રાઈફલમેન શહીદ થયા હતા. શહીદ ભારતીય જવાનની ઓળખ આઠ જેકલાઈનના રાઈફલમેન 24 વર્ષીય યશપાલ તરીકે થઈ છે. શહીદ યશપાલ ઉધમપુર જિલ્લાના ચનૌનીના મનતલાઈ ગામના વતની હતા. તેઓ 17 માર્ચ – 2013ના રોજ સેનામાં રાઈફલમેન તરીકે ભરતી થયા હતા. તેમના છ માસ પહેલા જ લગ્ન થયા હતા. ગુરુવારે રાત્રે શાંત રહ્યા બાદ શુક્રવારે બપોરે પાકિસ્તાને રાજૌરીના નૌશેરામાં ફાયરિંગ કર્યું હતું.
બાદમાં પુંછ જિલ્લાના મેંઢર સેક્ટરમાં બપોરે પોણા ચાર વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી ફાયરિંગ કર્યું હતું. આમા ભારતના વધુ ત્રણ જવાનો ઘાયલથયા હતા. તેમની ઓળખ પવનકુમાર, રવિન્દ્ર સિંહ અને અરુણ કુમાર તરીકે થઈ છે.
જમ્મુના પીઆરઓ ડિફેન્સ લેફ્ટિનેન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે કહ્યુ છે કે પાકિસ્તાની સેનાએ સુંદરબની, નૌશેરા અને મેંઢરમાં ફાયરિંગ કર્યું છે. ભારતીય જવાનોએ પણ આનો આકરો જવાબ આપ્યો છે. મહત્વપૂર્ણ છે કે 2019માં અત્યાર સુધીમાં પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પર 110થી વધારે વખત ફાયરિંગ કરીને શસ્ત્રવિરામ ભંગ કર્યો છે.