અમદાવાદઃ શહેરમાં શિક્ષકોને વિદ્યાર્થીઓને ભણાવવા ઉપરાંત વસતી ગણતરી સહિતની કામગીરી સોંપવામાં આવતી હોય છે ત્યારે કોરોનાના કપરા કાળમાં શિક્ષકોને વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે. સુરતમાં સ્મશાનોમાં જ મૃતદેહ ગણવાની અને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં જઈને સવલન્સ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ હોબાળો થતાં આ નિર્ણયને પાછો ખેંચવો પડ્યો હતો. હવે આ સિલસિલામાં અમદાવાદમાં કોરોનાને કારણે સ્થિતિ કથળી રહી છે. ત્યારે શિક્ષકોને કોવિડ ડ્યૂટી સોંપવામાં આવી છે.
અમદાવાદમાં 500 શિક્ષકોને ખાનગી હોસ્પિટલમાં જવાબદારી સોંપવામાં આવી છે. મ્યુનિ.કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા હાલ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હવે અમદાવાદમાં 500 શિક્ષકો ખાનગી હોસ્પિટલોમાં હેલ્પ ડેસ્કમાં બેસશે. એટલું જ નહીં રસીકરણ કેન્દ્ર ઉપર પણ કામગીરી સોંપાઈ છે. અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ફાજલ પડેલા સમયમાં શિક્ષકોને એક મહત્વની જવાબદારી સોંપવાનો નિર્ણય કરાયો છે. સુરત બાદ અમદાવાદમાં પણ 500 શિક્ષકોને કોરોના સમયમાં ડ્યૂટી સોંપાઈ છે. સ્કૂલ બોર્ડ ના શિક્ષકોને જવાબદારી સોંપાતા હવે પછી 500 શિક્ષકોને ખાનગી હોસ્પિટલોમાં કામ સોંપાયુ છે.
શિક્ષકોએ અહીં દર્દીઓને દાખલ થવા માટે કયાં જવું તેના માટે હેલ્પ ડેસ્કની કામગીરી જોવાની રહશે .ખાનગી હોસ્પિટલોમાં શિક્ષકો હેલ્પ ડેસ્કમાં સેવા આપશે. એટલું જ નહી, શહેરના વેક્સિનેશન સેન્ટર ઉપર પણ વ્યવસ્થા જાળવવાનું કામ પણ શિક્ષકોને સોપાયું છે. હાલ કોરોના સમયમાં સ્ટાફની ખુબ જ મોટી અછત વર્તાઈ રહી છે, જેના કારણે આ જવાબદારી સોંપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સુરત મ્યુનિ. કોર્પોરેશને પોતાના કર્મચારીઓને જવાબદારી સોંપવામાં હદ વટાવી હતી. શિક્ષકોને અત્યાર સુધીમાં કોરોનાની તમામ કામગીરી સોંપવામાં આવી છે, પરંતુ સ્મશાનગૃહમાં જવા માટેની કામગીરી બાકી હતી તો એ પણ સોંપવામાં આવી હતી. અંતિમક્રિયા માટે આવતા મૃતદેહોની નોંધણી કરવાની કામગીરી શિક્ષકોને અપાતાં કચવાટની લાગણી જોવા મળી રહી હતી. 8-8 કલાકની ત્રણ શિફ્ટમાં સુરત મ્યુનિ.કોર્પોરેશનના કર્મચારીઓ સાથે શિક્ષકોએ પણ ફરજ બજાવવાનો નિર્ણય કરાયો હતો. સ્મશાનગૃહમાં આવેલા મૃતદેહોની નોંધણીમાં અવ્યવસ્થા ન સર્જાય એ માટે શિક્ષકોને જવાબદારી આપી દેવામાં આવી હતી. પરંતુ પાછળથી મોટો હોબાળો થતાં આ નિર્ણય પાછો ખેંચાયો હતો.