યુપીમાં રવિવારે લોકડાઉનની જાહેરાત, માસ્ક ના પહેરનારને થશે 10 હજાર સુધીનો દંડ
- કોરોના સંક્રમણ બેકાબૂ બનતા યુપી સરકારનો મહત્વનો નિર્ણય
- યુપી સરકારે રવિવારે યુપીમાં લોકડાઉનની કરી જાહેરાત
- રવિવારે લોકડાઉન દરમિયાન માત્ર ઇમરજન્સી સેવાઓને છૂટ અપાશે
નવી દિલ્હી: કોરોના સંક્રમણ સ્ફોટક ગતિએ વધતા સમગ્ર ઉત્તર પ્રદેશમાં રવિવારે લોકડાઉનની જાહેરાત કરાઇ છે. લોકડાઉન દરમિયાન માત્ર ઇમરજન્સી સેવાઓને છૂટ અપાશે. હવે યુપીમાં તમામ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રવિવારે બધુ જ બંધ રહેશે. આ દિવસે વ્યાપકપણે સેનેટાઇઝેશન અભિયાન ચાલશે. આ ઉપરાંત માસ્ક ના પહેરનારાઓ પાસેથી 10 હજારના દંડની વસૂલાત કરાશે.
પ્રાપ્ત વિગતો અનુસાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ મંડળ, આયુક્તો, જીલ્લાના અધિકારીઓ, સીએમઓ સાથે સમીક્ષા બેઠક બાદ આ નિર્ણય લીધો હતો. પ્રદેશના તમામ ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારો રવિવારે સાપ્તાહિક બંધ રહેશે. પ્રદેશમાં તમામ લોકોએ ફરજીયાતપણે માસ્ક પહેરવાનું રહેશે. પ્રથમવાર માસ્ક વગર પકડાશે તો 1000 રૂપિયાનો દંડ થશે અને બીજી વાર પકડાશે તો 10 ગણો દંડ થઇ શકે છે.
આ બાજુ કોવિડ-19ના વધતા કેસને પગલે વારાણસી જિલ્લા પ્રશાસને શનિવાર અને રવિવારમાં વિકેન્ડ લોકડાઉનની જાહેરાત કરી છે. બંને દિવસે બનારસ સંપૂર્ણ રીતે બંધ રહેશે. ફક્ત દૂધ, બ્રેડ, ફળો અને શાકભાજીની દુકાનો જ સવારે 10 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી રહેશે. દારૂની દુકાનો પણ બે દિવસ બંધ રહેશે. ધાર્મિક સ્થળો ઉપર પણ પ્રતિબંધ લાગુ રહેશે.
(સંકેત)