ભારતમાં 12 કરોડથી વધારે લોકોએ લીધી કોરોનાની રસી
- કોવિડ-19ની રસીની અછત નથીઃ આરોગ્ય મંત્રી
- વિવિધ રાજ્યો પાસે 1.58 કરોડ ડોઝ ઉપલબ્ધ
- આગામી દિવસોમાં 1.17 કરોડ ડોઝ પુરો પડાશે
દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે. બીજી તરફ સરકારે કોરોનાને નાથવા માટે રસીકરણ વધારે તેજ બનાવ્યું છે. દરમિયાન અત્યાર સુધીમાં બગાડ સહિત 12.57 કરોડ કોવિડ રસીનો ઉપયોગ થયો છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એક કરોડથી વધારે વ્યક્તિઓએ કોરોનાની રસી લીધી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષ વર્ધને જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં રસીનો કુલ વપરાશ (બગાડ સહિત) અંદાજે 12.57 કરોડ ડોઝ સુધી પહોંચી ગયો છે જેની સામે કેન્દ્ર દ્વારા રાજ્યોને 14.15 કરોડ ડોઝ પૂરાં પાડવામાં આવ્યા છે. અંદાજે 1.58 કરોડ ડોઝ હજુ પણ રાજ્યો પાસે ઉપલબ્ધ છે જ્યારે અન્ય 1.17 કરોડ ડોઝ પહોંચાડવા માટે કામગીરી ચાલી રહી છે અને આવતા અઠવાડિયામાં તે પહોંચી જશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખૂબ જ નાના રાજ્યોના સ્ટોકમાં દર 7 દિવસે આપૂર્તિ કરવામાં આવે છે જ્યારે મોટા રાજ્યોમાં આ સમયગાળો 4 દિવસનો છે. રસીની અત્યારે કોઇ જ અછત નથી. આવનારા સમયમાં રસીકરણ કવાયતને હજુ પણ વેગવાન બનાવવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમમાં રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. રાજ્યમાં હોસ્પિટલો સહિત 2500થી વધારે કેન્દ્રો ઉપર કોરોનાની રસી આપવામાં આવે છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં દરરોજ અંદાજે બે લાખથી વધારે લોકોને રસી આપવાનો સરકારે લક્ષ્યાંક નક્કી કર્યો છે.