અમદાવાદઃ રાજ્યમાં ટૂ વ્હિલર અને પોર વ્હિલરના લર્નિંગ લાયસન્સ મેળવવા માટે કોમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવે છે. લર્નિંગ ડ્રાયવિંગ લાઇસન્સ મેળવવા માટે અરજદારે 60 ટકા સાચા જવાબો આપવાનો નિયમ હોવા છતાં હાલમાં પાસ થવા 73.33 ટકા પ્રશ્નોના સાચા જવાબ આપવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ મામલે નિવૃત્ત મોટર વાહન નિરીક્ષકે વાહન વ્યવહાર વિભાગમાં રજૂઆત કરી છે. 15 પૈકી હાલમાં 11 પ્રશ્નોના સાચા જવાબો આપનારને પાસ કરવામાં આવે છે. ખરેખર 9 જવાબો સાચા હોય તો પણ તેને પાસ ગણવો જોઈએ તેવી રજૂઆત કરાઈ છે. પરીક્ષામાં પાસ થવા માટેના ધોરણ નિયમાનુસાર રાખવામાં આવે તો ભ્રષ્ટાચારમાં પણ ઘટાડો થશે તેવી રજૂઆત પણ કરાઈ છે.
નિવૃત મોટર વાહન નિરીક્ષક જી.એમ. પટેલે રાજ્યના બંદરો તથા વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી તથા વાહન વ્યવહાર કમિશનર રાજેશ માંજુને પત્ર લખી રજૂઆત કરી છે. જેમાં જણાવાયું છે કે, લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સની પરીક્ષામાં પાસ થવા માટે કેન્દ્રીય મોટર વાહન નિયમો 1989ના નિયમ 11 પેટા નિયમ (1-એ )ના સ્પષ્ટીકરણમાં જરૂરી જાણકારી એટલે કે પૂછવામાં આવતાં પ્રશ્નોના 60 ટકા સાચા જવાબ આપવામાં આવેલા હોય તો તેને પાસ ગણવાના રહેશે.
આ બાબત સ્પષ્ટ હોવા છતાં તેનું ચુસ્તપણે પાલન કદાચ નહીં થતું હોવાનું ધ્યાન પર આવતાં કેન્દ્ર સરકારના વાહન વ્યવહાર અને રાજમાર્ગ વિભાગ, દિલ્હીએ 31-3-2021ના રોજ બહાર પાડેલા નોટિફિકેશનમાં કેન્દ્રીય મોટર વાહન ( 6ઠ્ઠો સુધારો ) નિયમ 2021ના નિયમ 11 બદલીને મૂકવામાં આવે છે. જેમાં પેટા નિયમ ( 4 ) મુજબ અરજદારે સફળતાપૂર્વક પાસ થવા માટે લર્નિંગ લાઇસન્સની કસોટીમાં 60 ટકા પ્રશ્નોના સાચા જવાબ આપવાના રહેશે. કેન્દ્રીય મોટર વાહન નિયમો 1989ના જૂના અને નવા નિયમો 11માં શિખાઉ લાઇસન્સની પરીક્ષામાં પાસ થવા માટે 60 ટકા પ્રશ્નોના સાચા જવાબ આપવાનું ધોરણ રાખ્યું છે. છતાં હાલમાં શિખાઉ લાઇસન્સની પરીક્ષામાં પાસ થવા માટે 73.33 ટકા પ્રશ્નોના સાચા જવાબ આપવાનું ફરજિયાત રાખવામાં આવ્યું છે.
હાલની પરીક્ષા પધ્ધતિ મુજબ 15 પ્રશ્નોના સ્લોટમાંથી 11 પ્રશ્નોના સાચા જવાબ આપવામાં આવે તો ઉમેદવારને પાસ કરવામાં આવે છે. જે કેન્દ્રીય મોટર વાહન નિયમો 1989ના નિયમ 11 પેટા નિયમ 4નો ભંગ થાય છે. પ્રવર્તમાન લર્નિંગ લાઇસન્સની પરીક્ષા પદ્ધતિ મુજબ 15 પ્રશ્નોના સ્લોટમાંથી 9 પ્રશ્નોના સાચા જવાબ આપવામાં આવે તો 60 ટકાનું ધોરણ જળવાઇ રહે છે. જેથી આ રજૂઆતને ધ્યાનમાં લઇને કાર્યવાહી કરવામાં આવે તેવી રજુઆત કરી હતી.