અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ પ્રતિદિન 10 હજારને વટાવી રહ્યા હોય વેપારીઓ હવે સ્વયંભૂ લોકડાઉન રાખી રહ્યા છે. પાટણના વેપારીઓએ એક સપ્કાહનું લોકડાઉન જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રના પણ અનેક નગરોએ સ્વૈચ્છિક લોક લોકડાઉની જોહેરાત કરી છે. ત્યારે રાજ્યના અન્ય ઉદ્યોગો અને વેપારીઓ હવે કોરોના સંક્રમણ અટકાવવા સ્વૈચ્છિક છ દિવસનું લોકડાઉન કરવા જઇ રહ્યા છે, જેને પગલે અમદાવાદનું કાપડ મહાજન પણ સ્વૈચ્છિક લોકડાઉન રાખવા વિચારણા કરી રહ્યું છે, ઉપરાંત ટૂર -ટ્રાવેલ ઓપરેટર એસોસિયેશને તો અઠવાડિયા માટે કામગીરી બંધ રાખવાની પણ અપીલ કરી દીધી છે.
રાજ્યના કાપડબજાર સાથે સંકળાયેલા તમામ વેપારી અને હોલસેલર્સના અગ્રણી એસોસિયેશને મસ્કતી માર્કેટ મહાજન એક બેઠક બોલાવી છે. આ અંગે મસ્કતી માર્કેટ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું હતું કે અમે અમારા વેપારીઓ અને તેમની સાથે સંકળાયેલા એસોસિયેશન, જેમાં ગાર્મેન્ટ હોલસેલર્સ, રિટેલર્સ તથા અન્ય કાપડ અંગેનાં બજારના પ્રતિનિધિઓ સાથે બેઠક કરીને તમામના આરોગ્યના હિતમાં નિર્ણય કરીશું. તો બીજી તરફ ટૂર ઓપરેટર્સ એસોસિયેશન-ટાફીએ તેના સભ્યોને લોકડાઉન પાળવા જણાવ્યું છે. ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા-ટાફી ગુજરાતના ચેરમને જણાવ્યું હતું કે અમે કરેલા નિર્ણય મુજબ, 70 ટકાએ તેમની ઓફિસો બંધ કરી છે, મંગળવારથી તમામ એને અનુસરવાના છે. કોરોનાની આ ગંભીરતાને જોતાં ટાફી ગુજરાત દ્વારા ટ્રાવેલ ટ્રેડ પરિવારને 30 એપ્રિલ 2021 સુધી ઓફિસો બંધ રાખવા માટે અપીલ કરી છે, બીજા બધાં જ એસોસિયેશનને પણ આ અપીલમાં જોડાઈ જવા માટે વિનંતી કરી છે, સાથે અમારા એસોસિયેશનના કોઈપણ સદસ્યની મદદ માટે ટાફી કમિટી કટિબદ્ધ છે.
હાલમાં સદીની મહાભયાનક મહામારી એવો કોરોના વર્તમાન સમયે રૌદ્ર સ્વરૂપમાં પ્રવેશી ચૂક્યો છે અને અત્યારે શહેરની પરિસ્થિતિ વધારે વણસતી જાય છે, જે હવે કોઇના કાબૂમાં નથી. શહેરની હોસ્પિટલોમાં બેડ નથી, એમ્બ્યુલન્સો નથી, માટે આવનારા સમયમાં કોરોનાથી બચવા માટે સ્વયં જાગ્રત થઈ યોગ્ય પગલાં લેવાં પડશે અને આવા વિપરીત સમયમાં આપણે આપણી ઓફિસોમાં એકાદ અઠવાડિયા માટે જો રજાઓ જાહેર કરવામાં આવે તો આપણે સ્વયં તથા આપણા સ્ટાફનું પણ જોખમ ઘટાડી શકીશું અને મહામારીથી દૂર રહી શકીએ એમ છીએ.