- નાસાએ રચ્યો ઇતિહાસ
- નાસાનું હેલિકોપ્ટર ઇન્જિન્યિટિએ મંગળ પર ઊડાન ભરી
- પરગ્રહ પર ફ્લાઇંગની પ્રથમ ઘટના
નવી દિલ્હી: નાસાએ ઇતિહાસ રચ્યો છે. નાસાએ મંગળ પર ઉતારેલા પર્સેવેરન્સ યાન સાથેના હેલિકોપ્ટર ઇન્જિન્યિટિએ 19 તારીખે પ્રથમ વાર ઊડાન ભરી હતી. કોઇપણ બીજા ગ્રહ પર કોઇપણ પ્રકારની ઊડાન ભરી હોય એવો આ જગતનો પ્રથમ કિસ્સો હતો. નાસાએ આ ઘટનાની તુલના વર્ષ 1903ના પ્રથમ વિમાન ઊડ્ડયન સાથે કરી હતી.
વર્ષ 1903માં ઓરવિલ અને વિલ્બર રાઇટે પ્રથમ વાર ઊડાન ભરી હતી. કોઇપણ માનવનિર્મિત વાહન હવામાં ઊડ્યું હોય એવી આ પ્રથમ ઘટના હતી. એ પછી હવે મંગળ પર હેલિકોપ્ટર ઊડતાં ફરીથી નવો ઇતિહાસ સર્જાયો હતો.
It happened. Today our #MarsHelicopter proved that powered, controlled flight from the surface of another planet is possible. It takes a little ingenuity, perseverance, and spirit to make that opportunity a reality: https://t.co/oT3rrBm6wj pic.twitter.com/u63GKshp0G
— NASA (@NASA) April 19, 2021
નાસાએ આપેલી વિગત પ્રમાણે હેલિકોપ્ટર ઈસ્ટર્ન સ્ટાન્ડર્ટ ટાઈમ (ઈએસટી) મુજબ વહેલી સવારે સાડા ત્રણે (ભારતીય સમય મુજબ બપોરે સાડા બાર આસપાસ) ઊડયું હતું. હેલિકોપ્ટર કુલ 39.1 સેકન્ડ સુધી ઊડતું રહ્યું હતું. એમાં 10 મિટરની ઊંચાઈ હાંસલ કરી હતી. 10 મિટરની ઊંચાઈએ હેલિકોપ્ટર 30 સેકન્ડ સુધી સ્થિર રહી ઊડતું રહ્યું હતું.
ઊડ્ડયનની એ વિગતો નાસાને ઊડાનની સવા 3 કલાક પછી મળી હતી. અન્ય વિગતો ધીમે ધીમે આવશે એવુ પણ નાસાએ કહ્યુ હતુ. હેલિકોપ્ટર ઊડાન માટેના તમામ પ્રોગ્રામો તેમાં પહેલેથી જ ગોઠવાયેલા છે અને હેલિકોપ્ટરને સોલાર પેનલ વડે ઊર્જા મળી રહી છે. જ્યાં હેલિકોપ્ટરે ઊડાન ભરી એ જગ્યાને નાસાએ હવે રાઈટ બ્રધર્સ ફિલ્ડ નામ આપ્યું છે, કેમ કે 117 વર્ષ પહેલા પહેલી વાર વિમાન ઊડયું એમ અન્ય ગ્રહ પર પહેલી વાર કોઈ યાન ઊડયું હતું.
આ હેલિકોપ્ટર આપણા ધરતી પરના કદાવર હેલિકોપ્ટર જેવડું નથી. બાળકોના રમડકાનું હોય એવુ છે, પણ તેની પાછળ નાસાએ 8.5 કરોડ ડૉલરનો જંગી ખર્ચ કર્યો છે. હેલિકોપ્ટર 19.3 ઈંચ ઊંચુ અને 1.8 કિલોગ્રામ વજનનું છે.
(સંકેત)