અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડના શિક્ષકોએ 10 મહિના કોવિડ ડ્યૂટી કરી પણ હજુ વેતન ચુકવાયુ નથી
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ વધતા મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત સ્કુલ બોર્ડના શિક્ષકોને હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની નોંધણી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. શહેરમાં કોરોનાના પ્રથમ રાઉન્ડમાં પણ શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી હતી. આમ શિક્ષકોએ 10 મહિના કોવિડ ડ્યૂટી કરી હોવા છતાં તેમને નક્કી કરવામાં આવેલુ વેતન ચૂકવવામાં આવ્યું નથી.ત્યારે હવે શિક્ષકોને ફરીથી કોરોના ડ્યુટી સોંપવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શિક્ષકોને ગત માર્ચ મહિનાથી હેલ્પ ડેસ્ક, ધનવંતરી રથ, ટેસ્ટિંગ ડોમ અને 108 ઉપર કોલિંગની કામગીરી સોંપવામાં આવી હતી. આ તમામ કામગીરી બદલ રોજના 150 રૂપિયા લેખે વેતન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. શરુઆતના ત્રણ મહિના વેતન આપવામાં આવ્યું પરંતુ ત્યાર બાદ વેતન નહીં અપાતા શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે જણાવ્યું હતું કે 13 મહિના જેટલો સમય કોરોના કાળમાં સેવા આપી છે. પરંતુ ગત જૂન મહિનાથી નક્કી કરવામાં આવેલું વેતન આપવામાં આવ્યુ નથી. ઉપરાંત હવે ફરીથી 1200 શિક્ષકોને કોરોનામાં અલગ અલગ કામગીરી માટે જવાબદારી સોંપવામાં આવી છે. સ્કૂલ બોર્ડ તરફથી ગ્રાન્ટ ના હોવાને કારણે હજુ વેતન ચૂકવવામાં આવ્યું નથી પરંતુ આવનાર દિવસોમાં વેતન ચૂકવી આપશે તેવી બાંહેધરી પણ આપવામાં આવી છે.