કોરોના પીડિતોની વ્હારે આવી પોલીસઃ 9 પોલીસ કર્મચારીઓએ પ્લાઝમાનું કર્યું દાન
- પોલીસ કમિશનરે પ્લાઝમા દાન કરી અપીલ
- રાજકોટ પોલીસે ખાસ નંબર જાહેર કર્યો
- બીજા તબક્કામાં 310 કર્મચારીઓ સંક્રમિત થયાં
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ અટકાવવા અને પીડિતોની સારવાર માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેમજ દર્દીઓની સારવાર માટે વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ પણ આગળ વધી છે. હવે કોરોના મહામારીમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે સતત ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ હવે પીડિતોની મદદ માટે આગળ આવ્યાં છે. રાજકોટમાં બે દિવસમાં નવ પોલીસ કર્મચારીઓએ પ્લાઝમા ડોનેટ કર્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પ્લાઝમાની જરૂરિયાત મુદ્દે ખાસ નંબર જાહેર કર્યો છે. જેના અધારે પીએસઆઈ, એએસઆઈ અને એક કોન્સ્ટેબલે સંપર્ક કર્યો હતો. તેમજ પ્લાઝમાનું દાન કર્યું હતું. જ્યારે 6 દર્દીઓને પોલીસે સરકારી હોસ્પિટલમાંથી પ્લાઝમાની વ્યવસ્થા કરાવી આપી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જે લોકો કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે તેવા લોકો આગળ આવે અને પ્લાઝમા ડોનેટ કરીને લોકોને મદદ કરે તેવી અપીલ કરી છે. બીજા તબક્કામાં 310 પોલીસકર્મી સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે.
કરોનાની બીજી લહેરમાં રાજકોટ પોલીસના 310 જેટલા પોલીસ અધિકારી,કર્મચારીઓ સંક્રમિત થયા છે, જેમાંથી બે કર્મચારીઓનું દુ:ખદ અવસાન થયું છે જ્યારે અન્ય કર્મચારીઓ સ્વસ્થ છે.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના જણાવ્યા અનુસાર રસીના બે ડોઝ લેવાને કારણે પોલીસ સુરક્ષિત રહી અને જે પોલીસ કમર્ચારીઓ સંક્રમિત થયા તેમનામાં ખૂબ જ માઇલ્ડ અસર જોવા મળી છે.