અમદાવાદના બજારો સ્વયંભૂ બંધ તરફ, મોટાભાગના વેપારી એસોસિએશન દુકાનો બંધ રાખશે
- રાજ્યના અનેક ગામો-શહેરો પાળી રહ્યા છે સ્વયંભૂ બંધ
- અમદાવાદમાં સોના-ચાંદીના વેપારીઓ પણ સ્વયંભૂ બંધ પાળશે
- કંકોત્રી તેમજ ઇલેક્ટ્રિક બજાર પણ સ્વયંભૂ બંધ પાળ્યું
અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસ સતત વધતા સ્થિતિ બેકાબૂ બની રહી છે. રાજ્યમાં સતત વધતા કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે કોરોનાની ચેઇન તોડવા માટે રાજ્યના મોટાભાગના શહેરો અને ગામડાઓ સ્વયંભૂ બંધ પાળી રહ્યા છે. અમદાવાદમાં પણ સોના-ચાંદીના વેપારીઓએ કોરોનાની ચેઇન તોડવા માટે આજથી 3 દિવસ સ્વયંભૂ બંધ પાળવાનું નક્કી કર્યું છે. જ્યારે રિટેલ વેપારીઓ આવતીકાલથી 2 દિવસ માટે પોતાની દુકાન બંધ રાખશે.
તે ઉપરાંત ગાંધી રોડ પર સ્થિત કંકોત્રી તેમજ ઇલેક્ટ્રિક બજાર પણ સ્વયંભૂ બંધ પાળ્યું છે. જીસીઆઇ દ્વારા બ્રેક ધ ચેન કેમ્પેન શરૂ કરાયું છે. ત્યારે અમદાવાદ ઇલેક્ટ્રિક મરચન્ટ એન્ડ કોન્ટ્રાક્ટર એસોસિએશનને 23 થી 25 એપ્રિલ સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. ગુજરાત ગારમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશને પણ ત્રણ દિવસ બંધની અપીલ કરી છે.
અમદાવાદમાં કાપડ ઉદ્યોગ પણ 2 દિવસ માટે બંધ રાખવામાં આવશે. અમદાવાદમાં 100 થી વધુ કાપડ મહાજન તેમજ 50,000થી વધારે આવેલી કાપડની દુકાનો બંધ રહેશે. શનિ તેમજ રવિ સ્વયંભૂ કાપડ બજાર બંધ રહેશે અને કર્મચારીઓના પગાર કાપવામાં નહીં આવે.
આ તરફ ગુજરાતના પાટનગર ગાંધીનગર (Gandhinagar) ખાતે આવેલા મીના બજારમાં 4 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જો 4 દિવસ બાદ પણ સ્થિતિ નહીં સુધરે તો અચોક્કસ મુદતનુ લોકડાઉન કરવાની ફરજ પડશે.
(સંકેત)