ગાંધીનગરઃ ગુજરાતમાં રાજ્ય સરકાર, ખાનગી ક્ષેત્ર અને સામાજિક સંગઠનો ખભે ખભા મિલાવીને આ મહામારીમાં લોકોને રાહત પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સમર્થ અને સક્ષમ નેતૃત્વમાં સમગ્ર દેશ એક જૂથ થઈને કોરોના સામેનો જંગ લડી રહ્યો છે ત્યારે તમામ રાજ્યોએ આ લડાઈ સાથે મળીને લડવી પડશે. કોરોનાનો મુકાબલો સાથે મળીને કરીશું તો આપણી જીત નિશ્ચિત છે. તેમ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભારતના રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે સંવાદ કર્યો હતો. વિડીયો કોન્ફરન્સમાં સંબોધન કરતાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ૧૫મી માર્ચે રાજ્યમાં ૪૨ હજાર બેડ હતા તેની સામે હાલ રાજ્યમાં ૯૦ હજાર બેડ ઉપલબ્ધ છે. ૧૮૦૦ થી વધુ કોવિડ હોસ્પિટલોમા ૧૧,૫૦૦ આઇ.સી.યુ. બેડ અને ૫૧ હજાર ઓક્સિજન બેડ ઉપલબ્ધ છે. આ સાથે ટેસ્ટિંગમાં વધારો કરીને ૫૦ હજારની સામે ૧.૭૫ લાખ કરવામાં આવ્યા છે. જેમાં ૭૦ હજાર જેટલા આર.ટી.પી.સી.આર. ટેસ્ટનો સમાવેશ થાય છે. તેમણે વધુમાં કહ્યું કે, કોરોના સામેની લડતમાં રાજ્યની વિવિધ સામાજિક-ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવી છે. મોરબી જેવા ગ્રામીણ જિલ્લામાં ૬૩૦ પથારીઓની ક્ષમતા વાળા ૫ કોવિડ હેલ્થ સેન્ટર, વડોદરામાં બી.એ.પી.એસ. દ્વારા કોવિડ ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલની સ્થાપના અને સુરતમાં ૧૫ કોમ્યુનિટી કેર સેન્ટર વગેરે તેના ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
મુખ્યપ્રધાને ઉમેર્યુ હતું કે, રાજ્યમાં નિષ્ણાંત તબીબોની એક ટાસ્ક ફોર્સ બનાવાઇ છે જેમાં સરકારી અને ખાનગી ક્ષેત્રના પ્રતિષ્ઠિત તબીબોને સમાવવામાં આવ્યા છે. તેમના માર્ગદર્શન અને સલાહ- સુચનથી વખતોવખત કાર્યરીતિ નીતિમાં બદલાવ કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે જ આ ટાસ્ક ફોર્સે માઇલ્ડ અને મોડરેટ દર્દીઓ માટે ફેવીપેરાવિર અને આઇવરમેક્ટીન દવાના ઉપયોગની સલાહ આપી છે. તેના થકી કોરોના દર્દીઓમાં વાયરલ લોડ ઓછો કરવામાં મદદ મળશે. કેંદ્ર સરકારના માર્ગદર્શન મુજબ ગુજરાત સરકારે માઈક્રોકન્ટેનમેન્ટ ઝોન પર ધ્યાન કેંદ્રીત કર્યું છે. હાલ ગુજરાતના શહેરોમાં કુલ ૩૦,૦૦૦ જેટલા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે જેમાં ૨૦ હજાર મેડિકલ ટીમ નિયમિત ધોરણે દર્દીઓના સર્વે-સારવારનું કામ કરી રહી છે. કોરોના દર્દીઓ માટે ઓક્સિજનનો પુરવઠો જળવાઈ રહે તે માટે વિતરણ પ્રણાલીને મજબૂત કરવામાં આવી છે. ગંભીર દર્દીઓની સંખ્યા વધતા હોસ્પિટલોમાં ઓક્સિજનની માંગ પણ ખુબ વધી છે તેને પહોંચી વળવા માટે પર પ્રયત્નો થઇ રહ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.