ગુજરાતમાં 18 વર્ષ સુધીનાને કોરોનાની વેક્સિન મફત આપવી કે કેમ તે માટે સરકાર અવઢવમાં
અમદાવાદઃ દેશભરમાં કોરોનાનું સંક્રમણ વધું જાય છે, ત્યારે સરકારે 18 વર્ષ સુધીના લોકોને વેક્સિન આપવાનો નિર્ણય કર્યો છે. જેના માટેનું રજિસ્ટ્રેશનનો પ્રારંભ પણ કરી દેવામાં આવ્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ ગુજરાતમાં 18થી 45 વર્ષના વયજુથમાં આવતા હોય તેવા નાગરિકોની સંખ્યા 3.10 કરોડથી વધુ થવા જાય છે. અત્યારે 45 વર્ષથી વધુના વયજુથમાં સરકારી હોસ્પિટલ અને સેન્ટરોમાં અપાતી કોવિશિલ્ડ વેકિસન 18થી 45ના વયજુથ માટે ઉપલબ્ધ થાય તો રૂપિયા 2480 કરોડથી વધારે ખર્ચ થાય તેમ છે. કોવિશિલ્ડ એ સૌથી સસ્તી વેક્સિન છે. બે દિવસ પહેલાં સીરમ ઇન્સ્ટિટ્યૂટે જાહેર કરેલા વેચાણ ભાવ મુજબ કોવિશિલ્ડનો એક ડોઝ રૂપિયા 400માં રાજ્ય સરકારને પડશે. એક વ્યકિતને બે ડોઝની ગણતરી મુજબ રૂપિયા 800થી વધુનો ખર્ચ થઈ શકે તેમ છે.
રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ વેક્સિનની વહેંચણી માટે પણ આગામી સમયમાં ભારત સરકાર રાજ્યો માટે કવોટા ફિકસ કરે તેની રાહ જોવાય છે. જેમાં ગુજરાતના હિસ્સે સસ્તી વેકિસન કેટલી આવે છે તેના આધારે તમામને ફ્રી એટલે કે મફત કે સરકારી કેન્દ્રોમાં મફત અને પ્રાઈવેટમાં ચાર્જેબલ એ સિધ્ધાંતને યથાવત રાખવા નિર્ણય લેવાય તેવી શકયતા છે. દેશમાં ભાજપ શાસિત ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, આસામ અને કોંગ્રેસ શાસિત પંજાબની સરકારે પોતાને ત્યાં 18 વર્ષથી ઉપરના નાગરિકોને ફ્રી વેકિસન આપવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં સરકારે કોઈ નિર્ણય કર્યેા નથી. આ વિષયે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પુછવામાં આવ્યું ત્યારે તેમણે ભારત સરકાર જે નિર્ણય કરશે તે પ્રમાણે આગળ વધીશું એમ કહ્યું હતું. અમદાવાદ આવેલા ગૃહમંત્રી અમિત શાહે વેકિસનેશન મુદ્દે મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન ટૂંક સમયમાં નિર્ણય કરશે તેમ કહ્યું હતું. કોરોના વાઈરસ સામે ઈમ્યુનિટી ડેવલપ કરીને શરીરને સલામત રાખવા ગુજરાતમાં 45થી વધુ વયજુથમાં 1 કરોડ, 10 લાખ, 1 હજાર,631 નાગરિકોએ વેક્સિન લીધી છે. શુક્રવારે વધુ 1,42,558 વ્યકિતએ રસી મુકાવી હતી. અત્યાર સુધીમાં 92,15,310એ પ્રથમ ડોઝ અને 17,86, 32એ બીજો ડોઝ મુકાવ્યો છે