- દેશના નવા સીજેઆઇ તરીકે જસ્ટિસ રમન્નાએ શનિવારે લીધા હતા શપથ
- સીજેઆઇ તરીકે શપથ ગ્રહણ કરતા જ તેમણે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી
- તે ઉપરાંત તેમણે જમ્મૂ કાશ્મીરમાં ઇન્ટરનેટ પરના પ્રતિબંધને હટાવવાના આદેશ આપ્યા
નવી દિલ્હી: દેશના નવા ન્યાયાધીશ તરીકે જસ્ટિસ એન વી રમન્નાએ શનિવારે શપથ ગ્રહણ કર્યા હતા. શપથ ગ્રહણ કર્યા બાદ એન વી રમન્નાએ જમ્મૂ કાશ્મીરમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધને હટાવવા માટે આદેશ આપ્યા હતા. તેઓ દેશના 48માં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. સીજેઆઇ રમન્નાએ પદ ગ્રહણ કરતાની સાથે જ દેશમાં ન્યાયતંત્ર તેમજ કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે 6 વરિષ્ઠ ન્યાયાધીશો સાથે બેઠક યોજી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટિસ એન વી રમન્નાને દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકેને શપથ ગ્રહણ કરાવ્યા હતા. તેઓ આગામી વર્ષે 26મી ઓગસ્ટ સુધી આ પદ પર રહેશે. હાલમાં જ્યારે સમગ્ર દેશમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે તે વચ્ચે જસ્ટિસ એન વી રમન્નાએ પદ સંભાળ્યું છે. તેથી આગામી દિવસોમાં કોરોના મહામારીની સ્થિતિની સમીક્ષા તેમજ સરકાર દ્વારા લેવાયેલા પગલાનું આકલન તેમની મુખ્ય પ્રાથમિકતા રહેશે.
અરુણાચલ પ્રદેશમાં 2016માં કોંગ્રેસની સરકાર બહાલ રાખવી, 370ની કલમને પડકારતી અરજીઓ, કાશ્મીરમાં ઇન્ટરનેટ, આરટીઆઇ અને સુપ્રીમ કોર્ટ જેવા અનેક ચુકાદા આપનારી સુપ્રીમ કોર્ટની બેંચમાં રમન્ના પણ સામેલ રહી ચુક્યા છે.
27મી ઓગસ્ટ 1957ના રોજ જન્મેલા રમન્ના 10મી ફેબ્રુઆરી 1983ના રોજ વકીલ બન્યા હતા. 2000માં તેઓને આંધ્ર પ્રદેશ હાઇકોર્ટના કાયમી જજ નિમાયા હતા. બાદમાં 2013માં કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. બાદમાં દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પણ રહ્યા. 2014માં તેઓને સુપ્રીમ કોર્ટના જજ બનાવાયા હતા.
(સંકેત)