અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ ચિંતાજનરકીરે વધી રહ્યા છે. દર્દીઓને હોસ્પિટલમાં સારવાર માટે બેડ, વેન્ટિલેટર અને રેમડેસિવિર ઈન્જેક્શન પણ મળતાં નથી. તેની સાથે હવે ઓક્સિજનની પણ અછત સર્જાઈ છે. એક વર્ષ પહેલા ડ્રગ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયાના ડ્રગ કન્ટ્રોલર ડૉ.વી.જી.સોમાણીએ પત્ર લખીને તમામ રાજ્યોને ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનની જેમ દર્દીઓ માટે ઓક્સિજનની વ્યવસ્થા કરવા માટે સુચન કર્યું હતું છતાં રાજ્યના ફુડ અને ડ્રગ્સ વિભાગે કોઈ પગલા લીધા ન હતા. તેમ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યુ હતું.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ઓક્સિજનના પ્લાન્ટ માટે નવા લાઈસન્સની મંજુરી આપવા માટે પણ અગાઉ સુચન કરાયુ હતું.. ડ્રગ્સ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયાએ મહામારીમાં ચેતવણી આપી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ઓક્સિજનના અભાવે અનેક લોકોના જીવ ગયાં તેના માટે હવે જવાબદાર કોણ? રાજ્યમાં ઓક્સિજનની અછત માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જ જવાબદાર છે. રાજ્યમાં છેલ્લા 3 દિવસમાં ઓક્સિજનના અભાવે 66 લોકોના મોત થયાં છે.
2020ની પાર્લામેન્ટની સ્ટેન્ડિંગ કમિટીએ દેશની રાજ્ય સરકારોને ઓક્સિજન અંગે ધ્યાન દોર્યું હતું. હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે દર્દીઓને ભગવાન ભરોસે હોસ્પિટલમાં બેડ મળી પણ જાય તો હોસ્પિટલમાં તેમની સારવાર માટે ઓક્સિજન નથી. કમિટીએ ઔદ્યોગિક એકમો સિવાય મેડિકલ ઓક્સિજનનો જથ્થો રિઝર્વ રાખવા માટે કહ્યું હતું. પરંતુ ઔદ્યોગિક એકમ માટે ઓક્સિજન તૈયાર કરનારને સરકારે મંજુરી પણ નહોતી આપી. સરકારની પોલીસીને કારણે આજે હોસ્પિટલોમાં દર્દીઓને ઓક્સિજન નથી મળી રહ્યો.
ગુજરાતમાં ઔદ્યોગિક ગેસ એકમોના 10 જેટલા પ્લાન્ટ છે છતાંય ઓક્સિજનની અછત સર્જાઈ છે. ઓક્સિજનની અછત ઉભી થઈ તેમાં સરકારની ગંભીર બેદરકારી છે. આજની પરિસ્થિતિમાં રાજ્યમાં 4 લાખથી વધુ કેસો ધરાવતા રાજ્યોમાં ગુજરાત દેશમાં ત્રીજા નંબરનું રાજ્ય છે. રાજ્યમાં શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં કફોડી સ્થિતિનું નિર્માણ થયું છે ગુજરાતમાં કોરોનાના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે, એની સામે રિકવરી રેટ પણ ઘટી રહ્યો છે.