અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે અમદાવાદ સહિત 20 શહેરોમાં રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. જો કે, રાત્રિ કરફ્યુ દરમિયાન પણ કેટલાક લોકો બિંદાસ્ત ફરતા હોય છે. જો કે, હવે અમદાવાદમાં રાત્રિ દરમિયાન કામ વિના બહાર ફરનારા લોકો સામે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે સ્ટીકર પ્રથા શરૂ કરી છે. પોતાના વાહનોમાં જો સ્ટકર હશે તો જ રાત્રી કરફ્યુમાં આવવા જવા દેવાશે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હવે રાત્રિ ચેકીંગમાં ઉપલબ્ધ રહેશે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ પોલીસે વિવિધ પ્રકારની આવશ્યક સેવાઓને તેમની સેવાના પ્રકારને ધ્યાને લઈને ત્રણ રંગના સ્ટીકર છપાવ્યા છે. આ સ્ટીકર જે તે આવશ્યક સેવા સાથે સંકલાયેલ વ્યક્તિના વાહનમાં લગાવાશે. આ સ્ટીકર વગરના વાહનમાં નિકળ્યા તો વાહન જપ્ત કરવાની સાથે કરફ્યુ ભંગનો ગુન્હો દાખલ કરીને કારાગૃહમાં પુરવામાં આવશે. તમામ પોલીસ સ્ટેશનોમાં વિવિધ ત્રણ રંગના સ્ટીકરની વહેચણી કરી દેવાઈ છે. જેમાંથી અમદાવાદના ઝોન 4ના ડીસીપી ગત રાત્રીએ ખુદ રાત્રી કરફ્યુ દરમિયાન રોડ ઉપર ઊભા રહીને વાહન ચાલકોને રોકીને પુછપરછ કરવા સાથે આઈકાર્ડ ચેક કરીને સ્ટીકલ લગાવ્યા હતા.
મેડીકલ સેવા સાથે સંકળાયેલા તબીબો, નર્સ ઉપરાંત પેરમેડિકલ સ્ટાફૃ, ઓક્સિજન, તબીબી સાધનો અને દવા લઈ જતા વાહનો પર લાલ કલરની સ્ટીકર લગાવવામાં આવશે. જીવનજરૂરી ચીજવસ્તુઓ જેવી કે ખાદ્ય સામગ્રી, શાકભાજી, ફળફળાદી, દૂધ, પેકિંગ ફૂડની હેરફેર સાથે સંકળાયેલા વાહનો ઉપર લીલા કલરના સ્ટીકર લગાવવામાં આવશે. જ્યારે કરફ્યુના જાહેરનામાની અંદર જે કામગીરી કે સેવાઓને આવશ્યક સેવા ગણી છે તેવા નોકરીયાતો જેવા કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી , ટોરેન્ટ પાવરના કર્મચારી, ટેલિફોન સર્વિસ અને મીડિયા સાથે સંકળાયેલા કર્મચારીઓના આવવા જવા માટેના વાહનો ઉપર પીળા કલરનાં સ્ટીકર લગાવવામાં આવશે.