ભારતની સ્થિતિથી ચિંતિત છીએ, અમે 2600થી વધારે નિષ્ણાતોને ભારતીય અધિકારીઓ સાથે કામ કરવા કહ્યું છે: WHO
- WHOના પ્રમુખે ભારતની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી
- WHO એ બધુ જ કરી રહ્યું છે, જે અમે કરી શકીએ છીએ: WHO
- અમે 2600થી વધારે નિષ્ણાતોને ભારતીય અધિકારીઓ સાથે કામ કરવા કહ્યું: WHO
નવી દિલ્હી: સમગ્ર ભારતમાં કોરોના મહામારીની દહેશત યથાવત્ જોવા મળી રહી છે ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટ્રેડરોસ અધનોમ ઘ્રેબેસિયસે ભારતમાં જોવા મળેલી કોરોનાની લહેર પર ચિંતા વ્યક્ત કરી છે.
ભારતની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા WHO પ્રમુખ ટ્રેડરોસ અધનોમ ઘેબ્રેસિયસે કહ્યું કે, ભારતમાં સ્થિતિ હૃદયદ્રાવક છે. ભારતમાં કોરોનાની બીજી લહેર ખરાબ છે. આ સમયમાં WHO ભારતમાં જરૂરી મદદ મોકલી રહ્યું છે. ભારતમાં કોરોના સંક્રમણ વધવાની સાથોસાથ ઓક્સિજન, રેમડેસિવીર સહિતની સ્વાસ્થ્ય સેવાઓની અછતના સમાચાર છે. અનેક રાજ્યોમાં સ્થિતિ વકરતા સરકારે ઉદ્યોગોને બંધ કરી દર્દીઓ સુધી ઓક્સિજન પહોંચાડી રહી છે. અનેક રાજ્યોમાં કડક નિંયત્રણો લદાયા છે.
ટ્રેડરોસે વધુમાં ઉમેર્યું હતું કે, WHO એ બધુ જ કરી રહ્યું છે, જે અમે કરી શકીએ છીએ. એજન્સી અન્ય વસ્તુઓની સાથે હજારો ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ, પ્રીફેબ્રિકેટેડ મોબાઇલ ફીલ્ડ હોસ્પિટલ એન્ડ લેબ સપ્લાય મોકલી રહ્યા છે. તેમણે જાણકારી આપી છે કે સંગઠને પોલીયો અને ટીબી સહિત અન્ય કાર્યક્રમોના 2600થી વધારે નિષ્ણાતોને ભારતીય સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે સંયુક્તપણે કામ કરવા કહ્યું છે.
નોંધનીય છે કે, ભારતમાં કોરોનાની ઘાતક લહેરની સુનામી વચ્ચે વિશ્વના અનેક દેશોએ હવે ભારત પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે અને મિત્ર ધર્મ નિભાવીને ઓક્સિજન, વેન્ટિલેટર, વેક્સિન માટેના કાચો માલ સહિતની વસ્તુઓ ભારત મોકલવાની સહયોગ આપ્યો છે.
(સંકેત)