મદ્રાસ હાઇકોર્ટની ફટકાર બાદ ચૂંટણી પંચનો નિર્ણય, ચૂંટણીના પરિણામના દિવસે વિજય સરઘસ પર પ્રતિબંધ
- મદ્રાસ હાઇકોર્ટની ફટકાર બાદ ચૂંટણી પંચ એક્શન મોડમાં
- ચૂંટણી પંચે ચૂંટણીના પરિણામો બાદ વિજય સરઘસ પર લગાવ્યો પ્રતિબંધ
- આગામી 2મેના રોજ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે
નવી દિલ્હી: કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે ત્યારે આ વચ્ચે ચૂંટણી પંચે મહત્વનો નિર્ણય લીધો છે. પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ 2જી મેના રોજ જાહેર કરાશે. આવામાં ચૂંટણી પંચે પરિણામ બાદ કોઇપણ પ્રકારના વિજય સરઘસ, જૂલૂસ કે જશ્ન પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવ્યો છે.
જણાવી દઇએ કે, પશ્વિમ બંગાળ, આસામ, કેરળ, તામિલનાડુ અને પુડ્ડુચેરીની વિધાનસભા ચૂંટણીના પરિણામો આગામી 2જી મેના રોજ જાહેર થવાના છે. 4 રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થઇ ચૂકી છે જ્યારે બંગાળમાં હજુ પણ એક તબક્કાનું મતદાન બાકી છે. આવામાં ચૂંટણી પંચ દ્વારા અગત્યનો નિર્ણય લેવાયો છે.
કોરોનાનું સંકટ દિનપ્રતિદીન વિકટ બની રહ્યું છે ત્યારે ચૂંટણી રેલીઓમાં ઉમટેલી ભીડ પર સતત સવાલ થઇ રહ્યા હતા. બંગાળમાં સાતમાં તબક્કાના મતદાન પહેલા ચૂંટણી પંચે મોટી રેલીઓ, રોડ શો અને પદયાત્રા પર રોક લગાવી હતી.
આ સાથે જ વોટિંગના 72 કલાક પહેલા જ પ્રચાર બંધ કરી દેવાનો નિર્દેશ આપ્યો હતો. આવામાં જ્યારે હવે મતદાન પૂરું થવાની તૈયારી છે ત્યારે ચૂંટણી પંચ તરફથી કાઉન્ટિંગની મોટા પાયે તૈયારીઓ થઈ રહી છે.
કોરોનાના વિકરાળ સ્વરૂપને જોતા ગઇ કાલે જ મદ્રાસ હાઇકોર્ટે પણ ચૂંટણી પંચને ફટકાર લગાવી હતી. એક અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેર માટે ચૂંટણી પંચ જ જવાબદાર છે. ચૂંટણી પંચે કોઇ પણ પ્રકારની ચૂંટણી સભા પર રોક લગાવી નહીં. જેને કારણે મોટી સંખ્યામાં ભીડભાડ જોવા મળી હતી.
ફટકાર લગાવવાની સાથે સાથે હાઈકોર્ટે ચૂંટણી પંચને એવો આદેશ પણ આપ્યો હતો કે 2જી મેના રોજ ગણતરી માટે પૂરો પ્લાન તૈયાર કરવામાં આવે. જો તે દિવસે કોઈ પણ પ્રકારની ચૂક થઈ તો કોર્ટ કાઉન્ટિંગ પર જ રોક લગાવી દેશે તેવી ચેતવણી આપી હતી.
(સંકેત)