અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા વર્તમાન પરિસ્થિતિમાં કોરોના મહામારીનો સામનો કરવાના હેતુસર , ICMR માન્ય બાયોટેક લેબમાં પ્રતિદિન 200થી વધુ RTPCR ટેસ્ટ કરીને સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જીટીયુ દ્વારા ન માત્ર ટેક્નિકલ શિક્ષણ પણ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અને સમાજસેવાના ઉત્તમ ગુણો વિકસીત થાય ,તે અર્થે હંમેશા કાર્યરત હોય છે. વર્તમાન કોવિડ-19ની મહામારીમાં સમાજસેવાના ભાગરૂપે જીટીયુ NSS વિભાગ દ્વારા ઑક્સિજનના યોગ્ય વપરાશ અર્થે જાગૃકત્તા ફેલાવવા માટે તાજેતરમાં સ્વયંસેવકો તરફથી ઓનાલાઈન ફોર્મ ભરાવવામાં આવ્યા હતાં. માત્ર 1 જ દિવસના સમયગાળામાં રાજ્યના 33 જિલ્લાના 376 સ્વયંસેવકો દ્વારા ફોર્મ ભરીને આ સેવાકાર્યમાં જોડાવા માટે સહમતી દર્શાવી છે.
જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં સમાજને પડખે ઉભુ રહેવું દરેકની નૈતિક ફરજ છે. જીટીયુ NSSના સ્વયંસેવકોના આ ઉમદા કાર્યને સમગ્ર જીટીયુ પરિવાર બિરદાવે છે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે પણ તમામ સ્વયંસેવકો અને જીટીયુ NSS સંયોજક ડૉ. અલ્પેશ દાફડાને શુભેચ્છા પાઠવી હતી. વધુમાં જીટીયુ જીપેરીના ફેકલ્ટીઝ અને પી.એચડી સ્ટુડન્ટ ડૉ. વિવેક પટેલ , પ્રો. સુમીતકુમાર અને શ્યામ બાંભરોલીયા દ્વારા ગાંધીનગર સિવિલમાં આવેલ ઑક્સિજન પ્લાન્ટના મોનીટરીંગ સંદર્ભે પણ સ્વાસ્થ્ય વિભાગને સેવા આપી રહ્યા છે.
જીટીયુ NSS વિભાગ દ્વારા તમામ જિલ્લાના 376 સ્વયંસેવકોના નામની યાદી ગુજરાત આરોગ્ય વિભાગને મોકલવામાં આવેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા આગામી સમયમાં જરૂરીયાત પ્રમાણે જે-તે જિલ્લાના કલેક્ટરને આ યાદી આપવામાં આવશે. સ્વયંસેવકો દ્વારા ઓનલાઈન અને રૂબરૂ મુલાકાત લઈને ઑક્સિજનના યોગ્ય વપરાશ બાબતે માહિતી પૂરી પાડવામાં આવશે. રૂબરૂ મુલાકાત લેતાં પહેલાં વાલીની સંમતી મેળવવી જરૂરી રહશે. આ પ્રકારની જાગૃકત્તા ફેલાવવાના કારણે બિનજરૂરી ઑક્સિજનના વપરાશને ધટાડી શકાશે અને જરૂરીયાતમંદ સુધી તેની યોગ્ય માત્રા પહોંચાડવામાં આવશે.