ઋષિ કપૂરે વર્ષ 2020માં આજના દિવસે કહ્યું હતું દુનિયાને અલવિદા, લાંબો સમય સુધી રહ્યા હતા બીમાર
- ઋષિ કપૂરની આજે પ્રથમ પુણ્યતિથિ
- વર્ષ 2020 માં થયું હતું અવસાન
- લાંબો સમય રહ્યા હતા બીમાર
મુંબઈ: બોલીવૂડમાં પોતાના કામથી અને પોતાને એક્ટિંગથી નામ કમાવનાર ઋષિ કપૂરની આજે પ્રથમ પુણ્યતિથિ છે. વર્ષ 2020માં આજના દિવસે જ તેઓનું નિધન થયું હતું. ઋષિ કપૂરને કેન્સરની બીમારી હતી અને આ વાત તેમણે તેમના ચાહકોથી લાંબા સમય સુધી છુપાવીને રાખી હતી. જો કે તેમની બીમારી વિશેની વાત તેમના નજીકના સંબંધીઓને પણ જાણ ન હતી.
વર્ષ 2019માં ઋષિ કપૂરે પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને પોતાની તબિયત વિશે જાણ કરી હતી. આ ટ્વિટ કર્યા બાદ તેમણે તરત જ અમેરિકાની ફ્લાઈટ પકડી હતી અને અમેરિકામાં પોતાના ઈલાજ માટે લગભગ 11 મહિના જેટલો સમય રહ્યા. આ દરમિયાન તેમના કેટલાક સારવાર લેતા ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા જે બાદ તેમના ફેન્સને તેમની બીમારી વિશે જાણ થઈ હતી.
ઋષિ કપૂરની સારવાર દરમિયાન તેમને બોલીવૂડના કેટલાક કલાકારો પણ મળવા પહોંચ્યા હતા, તેમની ખબર પુછવા માટે તેમનો પુત્ર રણબીર કપૂર, આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપડા પણ પહોચી હતી. આ બાબતે વધારે જોવામાં આવે તો ઋષિ કપૂરના પત્ની નીતૂ કપૂરે પણ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, તેમને મળવા માટે મુકેશ અંબાણી અને તેમના પત્ની નિતા અંબાણી પણ આવ્યા હતા.
ઋષિ કપૂરને લ્યુકેમિયા નામની બીમારી હતી જે કેન્સરનો એક પ્રકાર છે. આ બીમારીમાં દર્દીના શરીરમાં લોહીના વ્હાઈટ સેલ્સમાં એક પ્રકારનું કેન્સર થઈ જાય છે. શરીરમાં વ્હાઈટ સેલ્સ અન્ય બીમારીઓની સામે લડવામાં મદદ કરે છે પણ જ્યારે વ્હાઈટ સેલ્સને અસર થાય ત્યારે સ્થિતિ ગંભીર બની જાય છે.