મોરબીના ઉદ્યોગકાર કોરોનાના દર્દીઓ માટે 35 હજાર કિલો નારિયેળ, 10 હજાર કિલો સંતરા વિનામૂલ્યે વિતરણ કરશે
મોરબીઃ શહેર અને જિલ્લમાં કોરોનાની મહામારી વધી રહી છે. ત્યારે એક તરફ અનેક લોકો તન,મન,ધનથી સેવામાં લાગેલા છે. કોરોનાની બીમારીમાં ખાટાં ફળોના જ્યુસ ઇમ્યુનિટી બુસ્ટર જેમ કામ કરતા હોઇ, તેની ડિમાન્ડ વધી રહી છે. તો બીજી તરફ લીલા નાળિયેર, સંતરા, મોસંબી અને લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે વધુ એક વખત મોરબીના સેવાભાવી ઉદ્યોગકાર અને તેમની ટીમ મોરબીવાસીઓની મદદ માટે આવ્યા છે.
મોરબીમાં હાલ લીલા નાળિયેરનો ભાવ 100 રૂપિયા આસપાસ ચાલી રહ્યો છે. ઉપરાંત સંતરાનું પણ મોંઘા ભાવે વેચાણ થઈ રહ્યું છે.. ત્યારે સામાન્ય અને ગરીબ પરિવારના દર્દીઓ માટે ફળો ખરીદી શક્તા નથી. આવા પરિવારો માટે મોરબીના ઉદ્યોગકાર અજય લોરીયા ફરી એક વખત મેદાને આવ્યા છે. અજયભાઈએ 35000 લીલા નાળિયેર તથા 10000 કિલોગ્રામ સંતરા મંગાવ્યા છે. જેમાંથી હાલ 3500 નાળિયેર અને 1200 કિગ્રા સંતરા આવી ગયા છે. હાલમાં જિલ્લાના મોરબી, વાંકાનેર અને માળીયા (મી)ની સરકારી હોસ્પિટલમાં દર્દીઓને વિનામૂલ્યે લીલા નાળિયેર તથા સંતરાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આ અંગે તેમણે કહ્યું હતું કે, નાળિયેર આંધ્ર પ્રદેશ અને માંગરોળથી જ્યારે સંતરા નાગપુર અને રાજકોટથી મંગાવેલા છે. હજુ વધુ નારીયેર આવશે એટલે હોસ્પિટલ ઉપરાંત કોરોના કેર સેન્ટરમાં પણ વિનામૂલ્યે અપાશે. લીંબુના ભાવ પણ ખૂબ વધારે હોવાથી એક્ટિવ સેવા ગ્રુપના એલીશભાઈ ઝાલરીયાએ રાહત દરે લીંબુનું વિતરણ શરૂ કર્યું છે. જેમાં તેમણે 400 કિગ્રા લીંબુનું વિતરણ કરી નાખ્યું છે. હજુ બીજા 600 કિગ્રા લીંબુનું વિતરણ કરાશે. તેઓ પોતાની ટીમ સાથે વિતરણ વ્યવસ્થા પણ ગોઠવી રહ્યા છે.