ગાંધીનગરમાં 1200 બેડની હોસ્પિટલ હવે મહાત્મા મંદિરમાં બનાવાશે
ગાંધીનગરઃ શહેરમાં સેક્ટર-17 એક્ઝિબિશન સેન્ટર ખાતે 1200 બેડની હોસ્પિટલનો પ્લાન પડતો મુકાઈને હવે મહાત્મા મંદિર ખાતે હોસ્પિટલ તૈયાર કરવાની કવાયત શરૂ કરાઈ છે. કોરોના કેસો વધતા અમિત શાહે ગાંધીનગરમાં 1200 બેડની હોસ્પિટલની જાહેરાત કરી હતી. હોસ્પિટલની કામગીરીના પ્લાનિંગ માટે મંગળવારે DRDO અને કોર્પોરેશના અધિકારીઓએ એક્ઝિબિશન સેન્ટરની મુલાકાત લીધી હતી. જેમાં એક્ઝિબિશન સેન્ટર ખાતે આટલી મોટી સંખ્યામાં દર્દીઓ, સ્ટાફ સહિતના લોકો ભેગા થતાં ટ્રેનેજની સમસ્યા ઊભી થાય તેમ હતી. એટલે આખરે મહાત્મા મંદિરમાં કોવિડ હોસ્પિટલ ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ કોવિડના કેસ વધતા જાય છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ માટે જગ્યા નથી. આથી તાત્કાલિક 1200 બેડની હોસ્પિટલ ઊભી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સેક્ટર-17ના એક્ઝિબિશન સેન્ટરની પસંદગી કરવામાં આવી હતી. પણ બધા ડોમની છત અને એસીની સમસ્યાને પગલે અહીં હોસ્પિટલ બનાવવામાં અનેક મુશ્કેલી આવવાની સાથે વધુ સમય લાગે તેમ હતો. જેથી અધિકારીઓએ સરકાર સાથે સંકલનમાં રહીને સ્થળ બદલવા માટે રજૂઆત કરી હતી. અને આખરે મહાત્મા મંદિર ખાતે કોવિડ હોસ્પિટલ ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જેમાં ડીઆરડીઓ દ્વારા ટાટા ટ્રસ્ટના સહયોગથી આ દિશામાં કામગીરી શરૂ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. યુધ્ધના ધોરણે હોસ્પિટલ તૈયાર થતાં 20 દિવસ જેટલો સમય લાગે તેમ છે.