અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે. તેમજ અનેક લોકો કોરોના સંક્રમણથી મૃત્યુ પામ્યા છે. જેથી સ્મશાન ગૃહોમાં અંતિમ સંસ્કાર માટે લાઈનો લાગી છે. બીજી તરફ હોસ્પિટલોમાં પણ સરળતાથી બેડ ઉપલબ્ધ થતા નથી. દરમિયાન કચ્છના ભુજમાં આરએસએસના સ્વંયસેવકો અને ભૂતનાથ ટ્રસ્ટના સેવાભાવી આગેવાનો દ્વારા અંતિમ સંસ્કાર યજ્ઞ શરૂને કોરોના પીડિતોના અંતિમ સંસ્કાર કરે છે. દરમિયાન વિવિધ ધર્મ અને સમાજના લોકો પણ આ યજ્ઞમાં જોડાઈને તન-મન અને ધનથી સેવા કરી રહ્યાં છે.
કચ્છના ભુજમાં ખારી નદી નજીક સ્મશાનમાં આરએસએસના સ્વંય સેવકો અને ભૂતનાથ ટ્રસ્ટના આગેવાનો કોરોના પીડિતોના અંતિમ સંસ્કારની કામગીરી કરીને સમાજની અનોખી સેવા કરી રહ્યાં છે. દરમિયાન ભૂતનાથ ટ્રસ્ટ સાથે જોડાયેલા અજીતભાઈએ જણાવ્યું હતું કે, RSS અને ભૂતનાથ ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલા અંતિમ સંસ્કાર યજ્ઞમાં સહુ કોઈ પોતાની શક્તિ મુજબ તન , મન કે ધનના યોગદાનની અંજલિ આપી રહ્યા છે. લાકડાનો નાનો બેનસો ધરાવતા મુસ્લિમ વેપારીએ ફોન કરીને અંતિમ સંસ્કાર માટે લાકડુ મોકલી આપવાની ઇચ્છા વ્યક્ત કરીને નાનો ટેમ્પો ભરીને લાકડા મોકલી આપ્યાં હતા. તેમજ તેમણે લાકડાનો, વાહનનો તથા મજૂરી ખર્ચ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. એટલું જ નહીં અંતિમ સંસ્કાર માટે લાકડાના કટિંગ માટે એક મુસ્લિમ આગેવાને મદદ કરી હતી. લાકડાના કટિંગ માટે હાલ મજૂર મળવા મુશ્કેલ છે. દરમિયાન મને લાકડાના કટિંગ માટે એક મુસ્લિમભાઈનો નંબર મળ્યો હતો. તેમનો સંપર્ક કરતા તેઓ લાકડા કાપવા માટે કટર મશીન લઈને આવ્યાં હતા. તેમજ મજૂરી લેવાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ મફતમાં સેવાનો ઈન્કાર કરીને તેમને ફોર્સ કરતા તેમણે અડધી જ મજૂરી લીધી હતી. આ વખતે આ મુસ્લિમ ભાઈએ કહ્યું કે, અત્યારે આ મોટી સેવા કહેવાય, તમે આટલું બધું કરો છો તો અમે આટલું તો કરીએ. આ મુસ્લિમ ભાઈની વાત સાંભળીને આંખોમાંથી હરખના આંસુ આવી ગયા હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અંતિમ વિધિ પછી અસ્થિ સાચવવા માટે નાની માટલીની જરૂર પડે છે. જેની પણ અછત ઉભી થઈ હતી. વર્ષોથી એક કુંભાર ભાઈ અહીં નાની માટલીઓ પુરી પાડે છે. તેમનો સંપર્ક કરતા તેમણે નાની માટલીઓ પહેલા જે રકમમાં પુરી પાડતા હતા તેનાથી પણ 3 રૂપિયા ઓછામાં પુરી પાડવાની તૈયારી દર્શાવી હતી. તેમજ કુંભારની પાસે બેઠેલા વૃદ્ધે કહ્યું હતું કે, ભગવાનને અમારે અને તમારે બંનેએ હિસાબ તો આપવો પડશે. ડબલ રૂપિયા લઈને રાખવા પણ ક્યાં ? આ બધા જે જઈ રહ્યા છે તે કેટલુ સાથે લઈ ગયા. અમને વધુ ન જોઈએ ભાઈ અને આ 3 રૂપિયા ઓછા લઈએ છીએ તે પણ માથેવાળા પાસે અમારા જમા જ થશે ને, બસ એટલું અમને ઘણું છે. આ ઉપરાંત શહેરમાંથી કેટલાય મુસ્લિમ મિત્રો ટ્રેકટર કે નાનો ટેમ્પો ભરીને લાકડા આપી ગયા છે અને એ પણ ક્યાંય નામ ન લખવા કે ન આપવાનું કહીને, એટલું જ નહીં કેટલાય મજૂરો ઓછી મજૂરી લઈ ગયા તો કેટલાકે સાવ જ ન લીધી, કેટલાય ટેમ્પો વાળા ભાડું લીધા વગર ગયા તો કેટલાકે માત્ર ડીઝલના રૂપિયા લીધા છે. આમ તમામ ધર્મ અને સમાજના લોકો મદદ માટે આગળ આવી રહ્યાં છે.