- ગુજરાતમાં કોરોના સામે એક્શનમાં સરકાર
- વધારે લોકોને વેક્સિન આપવાનો પ્રયાસ
- આટલા લોકોએ લીધી અત્યાર સુધીમાં વેક્સિન
અમદાવાદ: કોરોના સામેની લડાઈમાં દેશમાં કેન્દ્ર સરકાર અને રાજ્યોની સરકાર હવે આક્રમક રીતે લડી રહી છે. લોકોને કોરોનાવાયરસની ગાઈડલાઈનનું પાલન કરવાનું તો કહેવામાં આવી રહ્યું છે તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકોને વેક્સિન પણ આપવામાં આવી રહી છે, ગુજરાતમાં પણ રૂપાણી સરકાર કોરોના સામે મક્કમતાથી લડી રહી છે અને વધુ લોકોને વેક્સિન મળે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતમાં 18થી 45 વર્ષના નાગરિકોને કોરોના સામેની રસી આપવાનું શનિવારથી શરૂ થઇ ગયું અને આ હેઠળ આવરી લેવાયેલાં દસ જિલ્લાઓમાં કુલ 55,235 લોકોએ રસીનો પહેલો ડોઝ લઇ લીધો હતો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી 1.24 કરોડ લોકો કોરોનાની વેક્સિન મેળવી ચૂક્યા છે. ગુજરાતે પ્રથમ દિવસે 60 હજાર લોકોને રસી આપવાનું લક્ષ્યાંક સેવ્યું હતું. જે પૈકી 92 ટકા જેટલી સિદ્ધિ હાંસલ કરી છે.
જો કે જાણકારી અનુસાર છેલ્લાં કેટલાંક દિવસથી રસીકરણનો દૈનિક આંકડો 1.60 લાખ આસપાસ રહેતો હતો. પરંતુ યુવાન નાગરિકોનું રસીકરણ શરૂ થતાં આ આંકડો શનિવારે 2.17 લાખે પહોંચ્યો છે. 18થી 45 વર્ષના નાગરિકોને 55 હજારથી વધુ તેમજ 45થી વધુ વયના નાગરિકો ઉપરાંત હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઇન વર્કર્સને અપાયેલી રસીના પ્રથમ અને બીજો ડોઝ મળીને કુલ 161858 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
હાલ સરકાર દ્વારા હજુ પણ વધારે લોકોને વેક્સિન મળી રહે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં વેક્સિનેશનની પ્રક્રિયા વધારે તેજ બની શકે છે.