રાજકોટમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મકાન અને વ્યવસાયવેરામાં રાહત આપવા ચેમ્બરની માગ
રાજકોટઃ કોરોનાના સંક્રમણને કારણે મીની લોકડાઉન જેવી સ્થિતિ છે. વેપારીઓ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે મકાન-વ્યવસાયવેરાના દરોમાં રાહત આપવાની માંગણી ઉઠાવી ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રજુઆત કરવામાં આવી છે.
ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એવી રજુઆત કરવામાં આવી હતી કે, કોરોના વાયરસની મહામારીના કહેરના પગલે આર્થિક વ્યવસ્થામાં ભંગાણ પડેલ છે. સમગ્ર દેશમાં મંદીનું વાતાવરણ છવાયેલ છે. આ સંજોગોને ધ્યાનમાં લઇ રાષ્ટ્રીય કક્ષાએ કે રાજય કક્ષાએ વેપાર ઉધોગ કે નાગરિકોને વેરારૂપે ભરવાના થતા નાણામાં નાણાપ્રધાન દ્વારા રાહત પેકેજ આપી મદદરૂપ થયેલ છે. પરંતુ સ્થાનિક કક્ષાની સંસ્થાઓ જેવી કે કોર્પોરેશન, સુધરાઇ કે પંચાયત દ્વારા ઉઘરાવાતા વેરાના દરોમાં કોઇપણ પ્રકારની રાહત આપવામાં આવેલ નથી. જે ટેકસ ભરનારને ખુબ જ મુશ્કેલી ઉત્પન્ન કરે છે. હાલના સંજોગોમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અન્ય સ્ત્રોતો જેવા કે કોર્પોરેશન હદમાં આવેલ જમીનો વેચાણ દ્વારા ખુબ જ મોટી આવક ઉભી કરવામાં આવેલ છે. ત્યારે શહેરી વિસ્તારમાં વસતા નાગરિકોને તથા નાના ધંધાર્થીઓ તથા એમએસએમઇ સેકટરના કારખાનેદારોને વેરામાં રાહતરુપ થવુ જરુરી છે. હાલમાં એડવાન્સ વેરો ભરનાર કરદાતાને પુરુષ કરદાતાને મકાન વેરાના બીલમાં 10 ટકા તથા સ્ત્રી કરદાતાને મકાન વેરાના બીલમાં 15 ટકા ડીસ્કાઉન્ટ આપી રાહત આપેલ છે. પરંતુ આ ડીસ્કાઉન્ટ પુરતા પ્રમાણમાં નથી. વેરાના દરમાં મહદઅંશનો ઘટાડો કરવો જરુરી છે. મકાન વેરાના દરમાં પુરુષ વેરેદારને 25 ટકા તથા સ્ત્રી વેરેદારને 40 ટકા ડીસ્કાઉન્ટની રાહત આપવી જોઇએ તેમજ નાના વેપારી તથા એમએસએમઇ કક્ષાના કારખાનેદારના વેરામાં 50 ટકાના દરે રાહત આપવી જોઇએ. જેથી આ મહામારીના સમયમાં નાગરિકો તથા વેપાર ઉધોગના માલીકને મદદરુપ થઇ શકાય.