- જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા
- સુરક્ષદળોએ એન્કાઉન્ટરમાં 3 આતંકીઓનો બોલાવ્યો ખાત્મો
- આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે હજુ પણ અથડામણ ચાલુ
નવી દિલ્હી: જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળોને એક મોટી સફળતા સાંપડી છે. સુરક્ષાદળોએ વહેલી સવારે દક્ષિણ કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં 3 આતંકીઓનો ખાત્મો બોલાવ્યો છે. આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અથડામણમાં ખાત્મો બોલાવાયેલા આતંકીઓ આતંકી સંગઠન અલ બદરના છે. 3-4 આતંકીઓ સુરક્ષાદળોના ટ્રેપમાં ફસાઇ ગયા. 44 રાષ્ટ્રીય રાઇફલ્સ અને SOGએ આ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.
કાશ્મીર ઝોન પોલીસના અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર શોપિયાના કિનિગામ વિસ્તારમાં થયું. હાલમાં આતંકી બનેલા અહેમદે સુરક્ષાદળોની સામે હથિયાર હેઠા મૂકી દીધા અને સરન્ડર કર્યું. આ ઉપરાંત અથડામણમાં 3 આતંકીઓ માર્યા ગયા. સર્ચ ઓપરેશન ચાલુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાં શાંતિમય માહોલથી આતંકી સંગઠનો રઘવાયા થયા છે. તેથી તેઓ વારંવાર ઘાટીમાં આતંક ફેલાવવાની કોશિશ કરીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આતંકીઓ પોતાના મનસૂબામાં સફળ થાય તે પહેલા જ ભારતીય સુરક્ષાદળો આતંકીઓનો સફાયો કરી રહ્યા છે.
(સંકેત)