સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા અભયારણ્ય બંધ કરવાની સુચના આપવામાં આવી છે. જેના ભાગરૂપે ઘૂડખર અભયારણ્ય પણ પ્રવાસી માટે અનિશ્ચિત મુદત માટે બંધ કરવામાં આવ્યું છે. અભયારણ્યમાં ઘૂડખરને જોવા માટે લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે.ત્યારે સરકાર દ્વારા હાલ આ અભયારણ્ય પ્રવાસી માટે બંધ કરવામાં આવ્યું છે
સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી, અને ખારાઘોડાના નાના રણ વિસ્તારમાં આવેલું ઘૂડખર અભયારણ્ય માટે વર્ષ ‘2020’ કોરોનાનું ગ્રહણ લઇને આવ્યું હતુ. ગત તા. 22 માર્ચ 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા જનતા કફર્યૂ બાદ કોરોના લોકડાઉનમાં અભયારણ્ય પ્રવાસીઓ માટે સદંતર બંધ હતુ. ત્યાર બાદ ચોમાસાની સીઝન શરૂ થતા દુર્લભ ઘૂડખર માટે બ્રીડીંગનો સમયગાળો શરૂ થાય છે.આથી રણમાં મીઠું પકવતા અગરિયાઓ અને મીઠા કામદારો સહિત તમામ વ્યક્તિઓ અને પ્રવાસીઓ માટે ઘૂડખર અભયારણ્યમાં પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું હતું. આથી તા. 16/06/2020થી તા. 15/10/2020 સુધી ચાર મહિના સુધી ઘૂડખર અભયારણ્ય સહિત ગુજરાતનાં તમામ 27 અભયારણ્યોમાં કોઇને પણ પ્રવેશવાની પરવાનગી આપવામાં આવી નહોતી. હજી આ ઘૂડખર અભયારણ્ય શરૂ થાય એ પહેલા જ રણમાં જોવા મળતા પક્ષીઓમાં બર્ડ ફ્લુના પગલે ઘૂડખર અભયારણ્ય સહિત ગુજરાતનાં કુલ સાત અભયારણ્યો અનિશ્ચિત મુદત માટે બંધ કરવામાં આવતા ઘૂડખર અભયારણ્યને વર્ષ 2020માં કોરોનાનું ગ્રહણ લાગતા પ્રવાસન ઉદ્યોગને ખુબ મોટી અસર જોવા મળી હતી. આ અંગે વન વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું કે, , કોરોનાના વધતા જતા કહેરની સામેં સરકારી ગાઇડ લાઇન મુજબ ઘૂડખર અભયારણ્ય હાલ પુરતું પ્રવાસીઓ માટે અનિશ્ચિત મુદત માટે બંધ કરી દેવામાં આવ્યું છે. કોરોનાના પગલે ભારતીય પ્રવાસી કે વિદેશી પર્યટક રણ-અભયારણ્યની મુલાકાત લઇ શકશે નહીં.