- અમેરિકાના મેરીલેન્ડમાં ફાયરિંગની ઘટના
- ચાર લોકોએ ગુમાવ્યો જીવ
- અવાર-નવાર બની રહી છે ફાયરિંગની ઘટનાઓ
દિલ્લી: અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ હવે સામાન્ય બનતી જતી હોય તેવુ લાગી રહ્યું છે, કારણ છે કે અમેરિકાના મેરીલેન્ડમાં આવેલા બાલ્ટીમોર કાઉન્ટિમાં ફાયરિંગની ઘટના બની છે જેમાં ચાર લોકોએ તેમનો જીવ ગુમાવ્યો છે અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે બાલ્ટીમોર કાઉન્ટીના પોલીસ વિભાગે જણાવ્યું કે શનિવારે સવારે આ વિસ્તારમાં વ્લાડોવન નજીક પોલીસ અધિકારી અને ફાયર અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યાં તેમને સળગતા મકાનોની બહાર બંદૂકથી સજ્જ એક વ્યક્તિને જોયો હતો. સ્થળ પર હાજર લોકોએ કહ્યું કે ત્યાં ગોળીબારનો અવાજ સંભળાયો હતો અને લોકો ભાગતા જોવા મળ્યા હતા. જે બાદ શંકાસ્પદ હથિયાર વાળા વ્યક્તિને ગોળી વાગતા તે રસ્તાની બાજુમાં પડી ગયો હતો.
જો કે, સજ્જ વ્યક્તિ પર કેટલા અધિકારીઓએ ગોળીબાર કર્યો અથવા અન્ય લોકો કેવી રીતે માર્યા ગયા તે સ્પષ્ટ થઈ શક્યું નથી. ફાયરીંગમાં સામેલ અધિકારીઓ અને અન્ય ત્રણ પીડિતોની તાત્કાલિક ઓળખ થઈ શકી નથી.
પોલીસ પ્રવક્તા ડેનિયલ જે મુરેએ મીડિયાને જણાવ્યું હતું કે તેમાંથી બે પુરુષો હતા, ત્રીજી મહિલા હતી જે ઘટના દરમિયાન ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને કલાકો પછી તેનું મોત નીપજ્યું હતું. બીજી વ્યક્તિ જે પુરુષ છે તેની સારવાર ચાલી રહી છે, તેના જીવને કોઈ ખતરો નથી. આ દરમિયાન કોઈ પોલીસ અધિકારી ઘાયલ થયો નથી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ગેસ લિકેજને કારણે કેટલાક મકાનોમાં આગ લાગી હતી. જેના માટે ફાયર અધિકારીઓ આવી પહોંચ્યા હતા. પરંતુ આ સમય દરમિયાન શસ્ત્ર વડે એક શખ્સે ગોળીબાર કર્યો, તે બદલામાં મરાયો. કેટલાક અન્ય લોકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો.