- ભારતમાં કોરોના સંક્રમણ બેકાબૂ
- WHOના વૈજ્ઞાનિકે ભારતમાં કોરોનાના પ્રસારને લઇને કર્યો ચોંકાવનારો ખુલાસો
- ભારતમાં ઝડપી કોરોના સંક્રમણ માટે કોરોનાનો નવો વેરિયન્ટ જવાબદાર
નવી દિલ્હી: ભારતમાં અત્યારે કોરોનાની બીજી લહેરે દહેશત ફેલાવી છે. હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામી રહ્યા છે. દૈનિક 3 લાખથી વધુ કેસ આવી રહ્યા છે. કેસના દરમાં વૃદ્વિ અને મૃત્યુદરમાં વધારાને લઇને WHOએ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
દેશમાં કોરોના સંક્રમણ, કેસમાં વધારાને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને અનેક કારણો ગણાવ્યા છે. તેઓ અનુસાર ભારતમાં જે કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે તેની પાછળ કોરોનાનો નવો વેરિયન્ટ જવાબદાર છે. જે ઘણો સંક્રમિત કરનાર અને જીવ લેનાર છે. તે ઉપરાંત મંદ ગતિએ ચાલી રહેલ વેક્સિનેશન પણ જવાબદાર છે.
ભારતમાં કોરોના મહામારીની જે તસવીરો જોવા મળી રહી છે તે દર્શાવે છે ક કોરોનાનો નવો વેરિયન્ટ ભારતમાં ખૂબ જ ઝડપી ગતિએ ફેલાઇ રહ્યો છે. હવે આ મહામારીથી બચવા એકમાત્ર ઉપાય રસીકરણ છે. કોરોનાને કાબૂમાં લેવા માટે ભારતમાં રસીકરણની પ્રક્રિયાને વેગવાન બનાવવી પડશે.
તેઓ અનુસાર ભારતમાં આ નવો વેરિયન્ટ ઓક્ટોબર મહિનામાં સામે આવ્યો હતો અને કોરોના વિસ્ફોટ પાછળ પણ એ જ કારણ મુખ્ય છે. આ વેરિયન્ટ દેશમાં લાખો લોકો માટે કાળમુખો બન્યો છે અને ઘણો જીવલેણ સાબિત થયો છે. આ વેરિયન્ટ શરીરમાં જલ્દી પ્રસરે છે અને એન્ટિબોડી બનાવતા પણ રોકે છે. ભારતમાં લોકો બેદરકારીભર્યું વલણ દર્શાવી રહ્યા છે જેને કારણે પણ કોરોના સંક્રમણ વધ્યું છે.
તેમણે વેક્સીનેશનની ધીમી પ્રક્રિયાને પણ કોરના સંક્રમણ બેકાબૂ બનવા માટે જવાબદાર ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત સૌથી વધુ વેક્સિન બનાવનાર દેશ હોવા છતાં ભારતમાં જ અત્યારસુધી માત્ર 2 ટકા જ વેક્સિનેશન થયું છે.
(સંકેત)