- ઇઝરાયેલ હાલમાં ભારતને શક્ય એટલી મદદ કરી રહ્યું છે
- ભારતને કોરોના સંકટમાંથી ઉગારવું એજ અમારી પ્રથમ પ્રાથમિકતા: રોન માલ્કા
- ઇઝરાયેલ ભારતના સંકટમાં તેને શક્ય એટલે મદદ કરશે: ઇઝરાયેલ
નવી દિલ્હી: વર્તમાન સમયમાં ભારત કોરોના મહામારીની સામે જંગ લડી રહ્યું છે ત્યારે આ સમયમાં વિશ્વના અનેક દેશોએ ભારતની પડખે ઉભીને મિત્રતા ધર્મ નિભાવ્યો છે અને ઇઝરાયેલ પણ તેમાંથી બાકાત નથી. ઇઝરાયેલે અત્યારસુધી ઓક્સિજન કોન્સેન્ટ્રેટરથી લઇને જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવીને એક મિત્ર તરીકે ભારતને શક્ય એટલી મદદ કરી છે.
ભારતની મદદ અંગે ભારતમાં ઇઝરાયેલના રાજદૂત રોન માલ્કાએ સ્પષ્ટતા કરી છે કે, કોરોના સામેના જંગમાં ભારતને શક્ય એટલી સહાયતા પ્રદાન કરાશે. ઇઝરાયેલી સરકાર અને કંપનીઓ હાલમાં ફક્ત સંકટમાં મૂકાયેલા ભારતને મદદ કરવા માટે વિચારણા કરી રહી છે. અમારી પ્રથમ પ્રાથમિકતા અમારા મિત્રને સંકટમાંથી ઉગારવાની છે.
ભારતની મદદ માટેની ઇઝરાયેલની તૈયારી અંગે રોન માલ્કાએ કહ્યું કે ઇઝરાયેલની ટીમો આવશ્યક સાધનસામગ્રી સાથે જ ભારત પહોંચશે. આ ટીમો કોરોના સામેની જંગમા ભારતને સહાયરૂપ થશે. અમે અત્યારે રેપિડ ટેસ્ટિંગ અને ઓક્સિજન કોન્સેન્ટ્રેટર વિકસિત કરવા માટે ટીમો મોકલી રહ્યા છે.
ભારતના ઉપકારને યાદ કરતા ઇઝરાયેલે ભારતે કરેલી મદદને યાદ કરી હતી અને કહ્યું હતું કે હવે જ્યારે ભારત સંકટમાં છે ત્યારે અમે તેની શક્ય એટલી મદદ કરીશું. ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધો ધનિષ્ઠ છે અને અનેક સમાનતા ધરાવીએ છીએ ત્યારે હવે અમે સંયુક્તપણે કોરોનાને માત આપવા પ્રયત્નશીલ રહેશું.
કોરોનાના બદલાતા સ્વરૂપને લઇને રોન માલ્કાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ વાયરસ ખૂબ જ શંકાસ્પદ હિલચાલ ધરાવતો છે. તે વારંવાર અલગ અલગ સ્વરૂપમાં હુમલો કરીને સૌને ચોંકાવે છે. કોઇને ખ્યાલ નથી કે કોરોનાની કઇ લહેર ક્યારે સામે આવી જાય.
(સંકેત)