- રસીકરણ મુદ્દે ઘેરાયા બાદ સરકારે કરી ટકોર
- રસીકરણ મુદ્દે સુપ્રીમે હસ્તક્ષેપ ના કરવો જોઇએ
- રાજ્યોની માંગને કારણે 18-44 વર્ષની વયજૂથના લોકોને વેક્સીન માટે મંજૂરી અપાઇ છે
નવી દિલ્હી: હાલમાં સરકારની રસીકરણની નીતિ સામે સવાલો ઉઠી રહ્યા છે અને સરકાર સતત ઘેરાઇ ચૂકી છે ત્યારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ અંગે સોગંદનામુ કરીને પોતાનો બચાવ કર્યો છે. કેન્દ્ર સરકારે સોગંદનામામાં સુપ્રીમ કોર્ટની ન્યાયિક દખલની આવશ્યકતા ના હોવાનું કહ્યું હતું.
સોંગદનામામાં સરકારે સ્પષ્ટતા કરી હતી કે 18-44 વર્ષની વયજૂથના લોકોને રસી આપવાની એ માટે અનુમતિ અપાઇ છે કે ઘણા રાજ્યો તેની માંગ કરી રહ્યા છે અને કેન્દ્ર સરકારે વેક્સિન નિર્માતાઓ પાસેથી રાજ્યોમાં નિર્ધારિત કિંમતે રસી પૂરી પાડવા અંગે કહ્યું છે.
એ જાહેર થઈ ચૂક્યુ છે કે, રસી ઉત્પાકદ કંપની, કેન્દ્ર અને રાજ્યોને અલગ અલગ ભાવે રસી આપી રહી છે. કેન્દ્ર સરકાર રસીના એક જ ડોઝ માટે 150 રૂપિયા ચૂકવે છે, ત્યારે તે જ રસી માટે રસી ઉત્પાદક રાજ્યો પાસેથી 300 અને 400 રૂપિયા લે છે. જો કે, કેન્દ્ર સરકારે આનો બચાવ કરતા કહ્યું છે કે કેન્દ્ર સરકાર રસી માટે ઓછી રકમની ચુકવણી કરી રહ્યું છે કારણ કે રસી ઉત્પાદક કંપનીએ રસીનો મોટો જથ્થો આપ્યો છે.
કેન્દ્ર સરકારે એવું પણ કહ્યું છે કે કેન્દ્ર સરકારે વ્યાપક રસીકરણ અભિયાન માટે રસીના મોટા ઓર્ડર આપ્યા છે. આ ઓર્ડર રાજ્ય સરકારો અને ખાનગી હોસ્પિટલો કરતાં ઘણા મોટા છે. તેથી તેની અસર કિંમત પર પણ દર્શાવવામાં આવી હતી.
જુદા જુદા ભાવો ખાનગી રસી ઉત્પાદકો માટે એક સ્પર્ધાત્મક બજાર બનાવશે, પરિણામે રસીનું ઉત્પાદન વધશે અને વધારે ભાવ પણ નહીં વધે. જ્યારે વિદેશી રસી ઉત્પાદકોને દેશમાં રસી બનાવવા માટે પ્રોત્સાહિત કરાશે.
રસીની કિંમતોમાં રહેલા તફાવતની અસર લોકો પર નહીં પડે, કારણ કે તમામ રાજ્યોએ લોકોને નિ:શુલ્ક રસી આપવાની જાહેરાત કરી છે.
(સંકેત)