બહાર ફરતા કોવિડ દર્દીની માહિતી આપો અને મેળવો ઈનામ
- મધ્યપ્રદેશના ભિતરવાર તાલુકામાં તંત્રની જાહેરાત
- તંત્રને જાણ કરનારને અપાશે રોકડ ઈનામ
- સંક્રમણ અટકાવવા તંત્રએ શરૂ કરી કવાયત
ભોપાલઃ મધ્યપ્રદેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા સરકાર દ્વારા લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. જો કે, મધ્યપ્રદેશમાં શહેરી વિસ્તારોની સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણ વકર્યું છે. તેમજ ગ્વાલિયરના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પીડિત દર્દીઓ હોમ આઈસોલેટ હોવા છતા બહાર ફરતા હોવાની ફરિયાદ ઉઠી છે. દરમિયાન ભિતરવાર તાલુકામાં આવા દર્દીઓને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે. બહાર ફરતા કોવિડ દર્દીની માહિતી આપનારને રોકડ ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગ્વાલિયરના ગ્રામિણ વિસ્તારોમાં કોરોનાનો ગ્રાફ સતત વધતો જાય છે. ગ્રામીણ વિસ્તારમાં અનેક દર્દીઓ હોમ આઈસોલેટ છે. જો કે, કેટલાક દર્દીઓ હોમ આઈસોલેટનો ભંગ કરીને બહાર ફરતા હોવાની ફરિયાદો ઉઠી છે. જેથી કોરોનાનું સંક્રમણ વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન ભિતરવાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા અને હોમ આઈસોલેટના નિયમનો ભંગ કરીને બહાર ફરતા દર્દીઓ સામે કવાયત શરૂ કરી છે. ઘરની બહાર ફરી રહેલા કોરોના પોઝિટીવ દર્દીની જાણકારી આપનારા લોકોને તંત્ર તરફથી 500 રૂપિયા ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ગ્વાલિયર જિલ્લાના મોહના, પનિહાર, ઘાટીગામ, ચિનોર, ઈંટમામાં કોરોના દર્દીઓની સંખ્યા એકાએક વધી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં અહીં 26 કોરોના પોઝિટીવ દર્દીઓ નોંધાયા છે. જેથી અહીં હવે કુલ દર્દી 854 થઈ જતાં હડકંપ મચી ગયો છે.