ગુજરાતમાં મે મહિનાના 11 દિવસમાં કોરોનાના કેસમાં 16 ટકાનો ઘટાડોઃ ટેસ્ટિંગમાં પણ ઘટાડો
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. મે મહિનાના 11 દિવસમાં કોરોનાના ટેસ્ટમાં પણ 15.5 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે કોરોનાના કેસમાં 16 ટકાનો ઘટાડો નોંધાયો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં હવે બેડ માટે રાહ જોવી પડતી નથી. આમ કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો બોવાથી સરકારી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
ગુજરાતમાં સતત 11માં દિવસે કોરોના દર્દીઓમાં ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, સાજા થઈને ઘરે જનારા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. સોમવારે કોવિડ ટાસ્કફોર્સે કહ્યું હતું કે ગુજરાત બીજી લહેરની પીકમાંથી ગુજરી ચૂક્યું છે અને હવે કેસ ઓછા આવી રહ્યા છે. મે મહિનાની વાત કરીએ તો રાજ્યમાં આશરે સવાલાખ લોકોએ કોરોનાને માત આપી છે. પરંતુ આશરે એટલા જ નવા દર્દી નોંધાયા. રિકવરી રેટ 79 ટકાને પાર થઈ ચૂક્યો છે, પરંતુ આ બધા વચ્ચે કોરોના ટેસ્ટમાં ઘટાડાના કારણે ઓછા થતા કેસ પણ શંકાના દાયરામાં આવી ગયા છે.
છેલ્લા દસ દિવસમાં રાજ્યમાં નવા કેસ 16 ટકા ઘટ્યા છે, પરંતુ કોરોના ટેસ્ટમાં 15.5 ટકા ઘટાડો કરાતા નવા કેસમાં ઘટાડો થયાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ, દેશના આંકડા જોઈએ તો 28 એપ્રિલે દેશમાં 20.68 લાખ ટેસ્ટ થયા હતા અને સંક્રમણ દર 18.7ટકા હતો. 8 મેએ દેશમાં 14.66 લાખ ટેસ્ટ થયા અને સંક્રમણ દર 26.7 ટકા થઈ ગયો. આ આંકડા સ્પષ્ટ સંકેત આપે છે કે જો ટેસ્ટ ઘટીને કોરોના સંક્રમણ ઘટ્યું હોવાનો પ્રયાસ કરાતો હોય, તો ત્રીજી લહેર ઘાતક બની શકે છે.